Tue Oct 06 2026

Logo

ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ હોય તો ચેતી જજો, 50 ટકા મહિલાઓ બની છે કાયમી શિકાર

2026-03-16 10:48:00
Author: Mayur Patel
ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ હોય તો ચેતી જજો, 50 ટકા મહિલાઓ બની છે કાયમી શિકાર

અમદાવાદઃ દરેક સ્ત્રી લગ્ન બાદ જલદી માતા બનવાનું સપનું જોતી હોય છે. જોકે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર વધી જવાની સ્થિતિને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય છે. તેનું  પ્રમાણ વૈશ્વિક સરેરાશ 15 ટકાની સરખામણીએ ભારતમાં આશરે 22 ટકા જેટલું ઊંચું જોવા મળ્યું હતું. આ સ્થિતિ ઘણી મહિલાઓ માટે કામચલાઉ નથી હોતી, તેઓ આગળ જતાં ટાઈપ - 2 ડાયાબિટીસનો શિકાર બનાવાની શક્યતા ધરાવે છે.

અમદાવાદમાં કરવામાં આવ્યો સર્વે

અમદાવાદ શહેરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ ધરાવતી 247 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. આ મહિલાઓને 2023 થી 2026 સુધી સતત ત્રણ વર્ષ સુધી ટ્રેક કરવામાં આવી હતી. જેનો હેતુ તેમને ટાઇપ-2 ડાયાબિટીસ થયો છે કે નહીં તે જાણવાનો હતો. પરિણામો મુજબ આશરે 50 ટકા મહિલાઓમાં બાળકના જન્મના ત્રણ વર્ષ પછી પણ બ્લડ શુગરનું સ્તર ઊંચું જોવા મળ્યું હતું.

કેવા લક્ષણો જોવા મળ્યા

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન પ્લેસેન્ટા (ગર્ભનાળ) ગર્ભના વિકાસ માટે એસ્ટ્રોજન, કોર્ટિસોલ અને લેક્ટોજન જેવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, પરંતુ તે ઇન્સ્યુલિન સામે અવરોધ પણ પેદા કરે છે, જેના પરિણામે બ્લડ શુગરમાં વધારો થાય છે. વધુ પડતી તરસ લાગવી, ઝાંખી દ્રષ્ટિ અને વારંવાર પેશાબ થવો એ તેના કેટલાક લક્ષણો છે.

સૂત્રોએ  જણાવ્યું હતું કે આશરે 60 ટકા મહિલાઓને શુગર નિયંત્રણ માટે ઇન્સ્યુલિન અને મેટફોર્મિનની જરૂર પડી હતી.જેસ્ટેશનલ ડાયાબિટીસ હંમેશા ડિલિવરી સાથે સમાપ્ત થતો નથી. ઘણી મહિલાઓ માટે, તે જીવનભરના મેટાબોલિક જોખમની શરૂઆત હોય છે. ગર્ભાવસ્થા ડાયાબિટીસના છુપાયેલા જોખમને છતી કરી શકે છે.  ફોલો-અપ દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસ ધરાવતી 50 ટકા મહિલાઓ ટાઇપ-2 ડાયાબિટીસ તરફ આગળ વધી હતી.

આ ઉપરાંત સૂત્રોએ વધુમાં જણાવ્યું કે જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય તેવી માતાઓમાં સિઝેરિયન ડિલિવરીનું ઊંચું પ્રમાણ  જોવામળ્યું હતું.  ગર્ભાવસ્થામાં ઓછા વજનવાળા બાળકોનો જન્મ વધુ જોવા મળ્યો હતો. વધુમાં, 60 ટકા કિસ્સાઓ પ્રથમ ગર્ભાવસ્થામાં જોવા મળ્યા હતા, અને આશરે ત્રીજા ભાગની મહિલાઓને ડાયાબિટીસનો પારિવારિક ઇતિહાસ હતો, જે આનુવંશિક જોખમ સૂચવે છે.આ પરિણામોનો મુખ્ય ભાર ડિલિવરી પછી મહિલાઓની દેખરેખ પર છે. ગર્ભાવસ્થા દરમિયાન જોખમી મહિલાઓની વહેલી ઓળખ અને ડિલિવરી પછી યોગ્ય ફોલો-અપ દ્વારા સમયસર નિદાન અને સારવાર થઈ શકે છે, જે ટાઇપ-2 ડાયાબિટીસને રોકવામાં  મદદરૂપ થઈ શકે છે.