મુંબઈના પાયધુની વિસ્તારમાં બનેલી આ ઘટના અત્યંત કમનસીબ અને ચોંકાવનારી છે અને ગરમીમાં ઠંડક આપતું તરબૂચ જ્યારે જીવલેણ સાબિત થાય ત્યારે સાવચેતી રાખવી અનિવાર્ય બની જાય છે. મુંબઈના પાયધુનીમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મૃત્યુ બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મુંબઈના પાયધુની ખાતે સોમવારે રાતે બિરયાની અને ત્યારબાદ તરબૂચ ખાધાં બાદ પરિવારને ઉલ્ટી-ઝાળાની ફરિયાદ થઈ હતી. હોસ્પિટલ પહોંચતા જ તેમને મૃત જાહેર કરાયા હતા. આ ઘટનાએ ઉનાળામાં ફળો ખાવાની રીત પર અનેક સવાલો ઉભા કર્યા છે.
જો તમે પણ બજારમાંથી તરબૂચ ખરીદીને લાવ્યા છો અને એ તરબૂચમાંથી ફીણ નીકળતી હોય તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે. પરંતુ આખરે તરબૂચમાં પાછળનું કારણ શું? નિષ્ણાતોના મતે તરબૂચને ઝડપથી પકવવા અને તેને અંદરથી લાલચોળ બતાવવા માટે કેલ્શિયમ કાર્બાઈડ, નાઈટ્રેટ અને ઓક્સિટોસિન જેવા ઝેરી કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ્સને કારણે અનેક વખત સમારતી વખતે ફીણ નીકળી શકે છે.
જોકે, આ સિવાય પણ જો તરબૂચ કાપતી વખતે ફીણ નીકળે, તો તેનો અર્થ એ છે કે ફળની અંદર 'ફર્મેન્ટેશન' એટલે કે આથો આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ફળ અંદરથી ખરાબ થઈ રહ્યું ગયું હોવાનો સ્પષ્ટ સંકેત છે.
ઘણી વખત તરબૂચ લાંબો સમય ગોડાઉનમાં કે ફેરિયા પાસે પડ્યા રહેવાને કારણે તેમાં રહેલી ખાંડ અને પાણી બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે, જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ગેસ ઉત્પન્ન થાય છે અને ફીણ રૂપે બહાર આવે છે.
તરબૂચ ખાતી વખતે કઈ સાવધાની રાખવી?
વાત કરીએ તરબૂચ ખાતી વખતે રાખવી પડનારી સાવધાની વિશે તો નિષ્ણાતોના મતે તરબૂચ હંમેશા સવારના નાસ્તામાં અથવા બપોરના ભોજન બાદ ખાવું જોઈએ. રાત્રે મોડા તરબૂચ ખાવાથી પાચનક્રિયા બગડી શકે છે અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. જો તરબૂચ સુધારતી વખતે ફીણ દેખાય અથવા વિચિત્ર ગંધ આવે, તો તેને જરા પણ ન ખાવું. તે ફૂડ પોઈઝનિંગનું મુખ્ય કારણ બની શકે છે.