અમદાવાદઃ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં મિની કુંભ જેવો માહોલ છે. લોકો લાખોની સંખ્યામાં અહીં દર્શનાર્થે આવે છે. રાજ્ય સરકારે અને સ્થાનિક તંત્રએ ભારે વ્યવસ્થા અને સુરક્ષાના ઈન્ઝામ કર્યા છે, પરંતુ વન્યજીવનને નજીક ગિરનાર હોવાથી શુક્રવારે અહીં એક સિંહણ ચડી આવી હતી. સિંહણ લગભગ સો કિલોમીટર જ દૂર હતી. વન વિભાગે ખૂબ જ સતર્કતાથી સિંહણને પાંજરામાં પૂરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ વિસ્તારમાં આટલા લોકો વચ્ચે જો સિંહણ જઈ ચડી હોત તો લોકોમાં નાસભાગ થવાની શક્યતા હતી. વન વિભાગે ભારે જહેમત બાદ અડધી રાત સુધી ઑપરેશન હાથ ધરી તેને પકડી હતી.
નિયમિત રીતે વન વિભાગ વન્યજીવોની હિલચાલ પર નજર રાખે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંહણ મહેસૂલ વિસ્તારમાં હતી અને ભવનાથની બાજુમાં આવેલા ગિરનાર વન્યજીવન અભયારણ્ય તરફ આગળ વધી રહી હોય તેવું દેખાઈ રહ્યું હતું.
સિંહણને સુરક્ષિત રીતે પકડીને દૂર જંગલમાં ખસેડવામાં લગભગ છ કલાક લાગ્યા અને સાસણ અને જૂનાગઢના 20 ટ્રેકર્સ, ડોક્ટરો અને વન વિભાગના અધિકારીઓની ટીમે તેને સુરક્ષિત રીતે પકડી લીધી હતી.