ભાવનગરઃ ગુજરાતના ખૂબ જ ચર્ચિત વિવાદમાં એક નવા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. લોકસાહિત્યકાર માયાભાઈના પુત્રએ કરેલ અરજીને લઈ અઠવાડિયામાં તપાસ કરવા માટે DYSP દ્વારા દાઠા પોલીસને આદેશ આપવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજાના બોરડા ગામના મૂળ રહેવાસી અને લોક સહિત્ય થકી ખ્યાતનામ બનેલા કલાકાર માયાભાઈ આહીરના પુત્રએ પોલીસને આપેલ અરજી સ્વરૂપેની ફરિયાદને લઈ મહુવાના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પીએ એક અઠવાડિયામાં ભારતીય દંડ સંહિતા, નાગરિક સુરક્ષા સંહિતા સહિતના કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી અહેવાલ આપવા દાઠા પોલીસ સ્ટેશનના અધિકારીને આદેશ આપ્યો છે.
બાલધીયા પર હુમલાના પડઘા હજુ પણ યથાવત
આજે જેમની વિરુદ્ધ અરજી આપવામાં આવી છે તેમણે વધુ એક પોસ્ટ વાયરલ કરી છે જેમાં બગદાણા ખાતે એક બેઠક બોલાવવામાં આવશે તેવો સંદેશ વાયરલ કર્યો છે. બગદાણાના નવનીતભાઈ બાલધીયા પર હુમલા પ્રકરણના પડઘા હજુ શાંત પડ્યા નથી. ભરતભાઈ માયાભાઈ ભમ્મર રે.બોરડા વાળાએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈ દાઠા પોલીસ સુધી એક અરજી ગત તારીખ 24/02/2026 ના રોજ આપી છે. જેમાં સામતભાઈ ચૌહાણ તથા કોળીપટેલ પીન્ટુ બળદેવભાઈ તરીકે ઓળખાતા પીન્ટુભાઈ વિરુદ્ધ આરોપ લગાવામાં આવ્યો છે કે ખોટા, બનાવટી અને બદનામીકારક આક્ષેપ સાથે વીડિઓ બનાવી સોસીયલ મીડિયામા વાયરલ કરવામાં આવ્યા છે.
વીડિયોમાં અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ
આક્ષેપ એવો પણ છે કે, આ વીડિયોમાં અપમાનજનક અને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સમાજમાં તણાવ અને અશાંતિ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ 2000 હેઠળ યોગ્ય અને કડક કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે. આ સમગ્ર મામલે દાઠા પોલીસને મહુવાના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી દ્વારા દિવસ આઠમા તપાસ કરી અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.