Mon Jun 01 2026

Logo

ચિંતનઃ સૌ પ્રથમની સૃષ્ટિનું અસ્તિત્વ

2026-06-01 10:33:00
Author: Hemu Bhikhu
Article Image

હેમુ ભીખુ

સૃષ્ટિના આરંભ વિશે શ્રદ્ધાના દરેક ક્ષેત્રમાંથી કોઈ પૂર્વધારણા સ્થાપિત કરવાના પ્રયત્ન થયાં છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ આ બાબતે, શ્રદ્ધા નહીં પરંતુ જ્ઞાનના આધારે, બહુ સ્પષ્ટતાથી પોતાની વાત રજૂ કરે છે. માનવ ઇતિહાસમાં વચ્ચે એક તબક્કો એવો હતોકે પશ્ચિમી સંસ્કૃતિની ચમકદમકથી અંજાઈને માનવ સમુદાય, વિશ્વની આ ભવ્ય અને સૌથી જૂની સનાતની સંસ્કૃતિની મૂળ વાતોથી વિમુખ થતો ગયો. પરંતુ આજે વિજ્ઞાન એ સ્થાને પહોંચ્યું છે કે આ પ્રાચીન સંસ્કૃતિના શાસ્ત્રોમાં કહેવાયેલી બધી જ વાતો ધીમે ધીમે સિદ્ધ થઈ રહી છે. શક્ય છે કે તે સમયે ઋષિમુનિઓ દ્વારા દ્રષ્ટિથી સૃષ્ટિનું સત્ય જાણ્યું હશે, તેથી જ તેમને દ્રષ્ટા કહેવાતાં. જે આજે તે દ્રષ્ટિ વિજ્ઞાન દ્વારા પ્રમાણિત થઈ રહી છે.

આવી જ એક પરિસ્થિતિ રૂપે, સૃષ્ટિના સર્જનની ધારણામાં સત્ અને અસત્ની ચર્ચા કેન્દ્રસ્થાને રહી છે. સૃષ્ટિના દરેક તત્ત્વને બે શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે સત્ અને અસત્. એક સામાન્ય સમજ પ્રમાણે સત્ એટલે જે શાશ્વત છે, જે સનાતન છે, જે આત્મા સ્વરૂપ છે, જે પુરુષના અસ્તિત્વની સાક્ષી સમાન છે; અને અસત્ એટલે તેનાથી વિપરીત પરિસ્થિતિ. સ્વાભાવિક રીતે આત્મા સત્ની શ્રેણીમાં આવે. 

આત્મા જન્મતો નથી, તેનો વિકાસ નથી થતો અને તેનો અંત પણ નથી આવતો. તે શબ્દ રહિત, સ્પર્શ રહિત, રૂપ વિનાનો, રસ વિનાનો, ગંધ વિનાનો છે. આત્માને પ્રાણ નથી, કોઈ જ્ઞાનેન્દ્રિય નથી, કોઈ કર્મેન્દ્રિય નથી, ઇન્દ્રિયોના વિષય માટે લગાવ નથી વળી તે અંત:કરણનું એક પણ સ્વરૂપ નથી. તે કામનાઓથી આચ્છાદિત મન નથી, નિર્ણય કરવા તત્પર બુદ્ધિ નથી, દરેક અનુભવના સારનો સંગ્રહ કરી રાખનાર ચિત્ત નથી અને અસ્તિત્વ તથા અસ્તિત્વ સાથે જોડાયેલી બાબતો માટે અનિચ્છનીય લગાવ રાખનાર અહંકાર નથી. તે કશું જ નથી છતાં બધું તેના અસ્તિત્વના કારણે સંભવ બને છે. તેનું અસ્તિત્વ વિદ્યુત શક્તિ જેવું છે. 

વિદ્યુત શક્તિ પ્રકાશ ન આપે પરંતુ વિદ્યુત શક્તિને કારણે ‘બલ્બ’ પ્રકાશ આપે. આત્મા મોટો નથી અને નાનો પણ નથી. તે શ્વેત નથી અને શ્યામ પણ નથી. તે અનંત નથી અને શૂન્ય પણ નથી. તેને બંધન નથી અને મોક્ષ પણ નથી. તે લાંબો નથી અને ટૂંકો પણ નથી.તે અણુ સમાન નથી અને બ્રહ્માંડ સમાન પણ નથી. તેને શોકની અનુભૂતિ નથી અને હર્ષની અનુભૂતિથી પણ તે પર છે. 

પવિત્રતા કે અપવિત્રતાના માળખામાં તેને બાંધી શકાય તેમ નથી. તે પ્રકાશ નથી અને અંધકાર પણ નથી- અથવા, પ્રકાશ તેનું સ્વરૂપ છે અને અંધકાર પણ તેનું જ સ્વરૂપ છે. તે અંદર નથી અને બહાર પણ નથી, તે અંદર છે અને બહાર પણ છે. મજાની વાત એ છે કે તે ઢંકાયેલો જણાતા છતાં પ્રત્યક્ષ છે. તેથી જ તેને નથી સત્ય કહી શકાતો કે નથી અસત્ય કહી શકાતો. તેનું માત્ર હોવાપણું જ પૂરતું છે. તે પ્રમાણેનો વિષય નથી.     
     
તે નિર્વિકાર, અપાર, સાક્ષી, તટસ્થ, અકર્તા, નિષ્પક્ષ, નિર્લેપ, બતાવવો અશક્ય, જાણવો અશક્ય, શાશ્વત, સર્વદા, સર્વત્ર, જાગ્રત, પૌરાણિક, નિત્ય અને સંપૂર્ણ છે. તે અજન્મા હોવાથી તેને માતા-પિતા નથી, નામ નથી, ગોત્ર નથી, સંસ્કાર નથી- દુનિયાના વ્યવહારનું કોઈ પણ સમીકરણ તેની સાથે સંકળાયેલું નથી. ગીતામાં જણાવ્યા પ્રમાણે અગ્નિ તેને બાળી શકતી નથી, પાણી તેને ભીંજવી શકતું નથી, હવા તેને સુકવી શકતી નથી. તે દર્શાવી શકાય તેવો નથી. નથી તે કોઈનું ભક્ષણ કે નથી તે કોઈનું ભક્ષણ કરતો.  

એમ કહેવાય છે કે જ્યાં સુધી આત્મતત્વની પ્રતીતિ ન થાય ત્યાં સુધી દરેક પ્રકારની સાધના વ્યર્થ અથવા અપૂરતી કહેવાય. આત્મતત્વની પ્રતીતિ એ ચક્રમાંથી મુક્તિનો રાજમાર્ગ છે. ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે આત્માને સત્ય, દાન, તપ, અનશન, બ્રહ્મચર્ય તથા વૈરાગ્ય - આ છ સાધનોથી જાણી શકાય છે. આ માટે નિયમિત અભ્યાસ તેમજ જાગ્રતતા જરૂરી છે. અહીં એમ પણ કહેવાયું છે કે, જો ઇન્દ્રિય દમન અર્થાત દમ, દાન અને દયાનો ભાવ પ્રજ્વલિત રાખવામાં આવે તો આત્માની પ્રતીતિમાં સરળતા રહે.  

આ આત્માને સમજવાની જિજ્ઞાસા જોઈએ, તત્પરતા જોઈએ, તે માટે પ્રયત્ન કરવાની તૈયારી જોઈએ અને તે પ્રયત્નો માટેની માનસિકતા જોઈએ. આ બધા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે. જો આત્માની પ્રતીતિ થાય તો સૃષ્ટિ ક્ષણભરમાં નાશ પામે અને વ્યક્તિ પરમ પદને પામે. ઉપનિષદો માં ઉજાગર કરવામાં આવેલ આ સત્ય સમજાય તો પછી એ પણ સમજમાં આવી જાય કે તેનાથી વિપરીત પરિસ્થિતિ એટલે સૃષ્ટિનું સર્જન. જો આત્માની પ્રતીતિથી સૃષ્ટિ લય પામતી હોય તો જ્યારે આત્મા ‘આચ્છાદિત’ રહે ત્યારે સૃષ્ટિનું અસ્તિત્વ સાકાર થાય. 

સૌ પ્રથમની સૃષ્ટિનું અસ્તિત્વ આત્માના આવરણને કારણે અસ્તિત્વમાં આવ્યું.આત્મા કરતાં ‘અવિદ્યા’ અને માયાના કારણે ઉદ્ભવતી પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત થતું ગયું અને સૃષ્ટિ અસ્તિત્વ માં આવી. અવિદ્યા અને માયાના પ્રપંચ સામે જાણે શરણાગતિ સ્વીકારી લેવામાં આવી. પરિણામે આત્મા ત્યાં જ હોવાં છતાં અપ્રાપ્ય અને અસંભવ જણાતો થયો. ક્રમશ: અસ્તિત્વનું ધ્યાન એવી બાબતો પર સ્થાયી થવા લાગ્યું કે જે બાબતો જ અસ્તિત્વમાં ન હતી- આ એક પ્રકારે માનસિક વ્યભિચાર હતો. પછી તો ભ્રામક વાતો ઘૂંટવા લાગી અને તેમાં જ સત્યની પ્રતીતિ થવા માંડી. પછી તો એ પરંપરા સ્થાપિત થઈ ગઈ. 

સૃષ્ટિના પ્રાગટ્ય કરણની પાછળ મૂળમાં આત્મા તરફની વિમુખતા છે. સૃષ્ટિ અસ્તિત્વમાં જ ત્યારે આવી કે જ્યારે આત્મા તરફથી નજર દૂર થતી ગઈ અને નજર ત્યાં પાછી વાળવી અસંભવ જણાવા લાગી. નજર ત્યાં પાછી લાવી સંભવ છે.