Sun Aug 23 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ મોદી સરકાર પ્લેનના બળતણમાં પણ ઈથેનોલ ભેળવવાની છે?

2026-08-08 08:24:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

કાર સહિતનાં વાહનોમાં ઈથેનોલની મિલાવટનું પેટ્રોલ વેચવા સામેનો કકળાટ હજુ પત્યો નથી છે ત્યાં વિમાનોમાં વપરાતા એર ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)માં ઈથેનોલ ભેળવવાની કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી હોવાનો નવો કકળાટ ઊભો થઈ ગયો છે. આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે આક્ષેપ કરેલો કે, કેન્દ્ર સરકાર હવે એટીએફમાં પણ ઈથેનોલ ભેળવવા માગે છે કે જેથી સસ્તું પડે, પણ ઈથેનોલ ભેળવવાથી પ્લેનનાં એન્જિનને નુકસાન થાય એટલે તૂટી પડવાનો ખતરો ઊભો થાય છે. 

મતલબ કે, સરકાર વિમાની મુસાફરીને જોખમી બનાવી રહી છે અને પ્રવાસીઓના જીવનું જોખમ ઊભું કરી રહી છે.  એર ટર્બાઈન ફ્યુઅલ અત્યંત શુદ્ધ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે તેથી સૌથી અસરકારક અને સલામત મનાય છે. તેમાં ભેળસેળ કરીને શુદ્ધતા ઘટાડાય તો જોખમી બની શકે. 

કેજરીવાલે એવો દાવો પણ કર્યો છે કે, મોદી સરકાર તો ડીઝલમાં પણ ઈથેનોલની ભેળસેળ કરવા માગે છે તેથી લોકો કાર સહિતનાં પેટ્રોલ-ડીઝલથી ચાલતાં નવાં વાહનો ખરીદવાનું ટાળે.  કેજરીવાલના દાવા પ્રમાણે, અત્યારે ઈ-20 એટલે કે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલની મિલાવટ મુદ્દે દેકારો મચેલો છે એટલે સરકાર રોકાઈ ગઈ છે. 

બાકી સરકારનો ઈરાદો તો પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલની મિલાવટની મંજૂરી આપી દેવાનો છે. મોદી સરકાર દેકારો શમે તેની જ રાહ જોઈ રહી છે. એક વાર માહોલ શાંત થઈ જાય એટલે ઈ-50 લાવી દેવાશે. આ સંજોગોમાં  તમે નવું ઇ-20 વાહન ખરીદ્યું હોય તો એ ઈ-50 પેટ્રોલ પર નહીં ચાલે એટલે હમણાં વાહનની ખરીદીનો વિચાર હોય તો માંડી જ વાળજો.

કેજરીવાલની વાતને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટાઢા પહોરનું ગપ્પું ગણાવ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ચોખવટ કરી છે કે, કેન્દ્ર સરકારનો વિમાનના ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની કોઈ યોજના નથી અને  વિમાન સુરક્ષા અંગે આવી ખોટી માહિતી કે અફવાઓ ફેલાવીને પ્લેનની મુસાફરી જોખમી હોવાનો ખોટો  ડર અને ચિંતા પેદા કરાઈ રહી છે. 

નાગરિક ઉડ્ડયને એ પણ સ્પષ્ટતા કરી છે કે, મુસાફરોની સુરક્ષાને જોખમમાં મૂકે તેવું કોઈ અસુરક્ષિત કે કાચું બળતણ વિમાનોમાં વાપરવામાં આવતું નથી તેથી આ પ્રકારની અફવાઓથી દૂર રહેવુ જોઈએ. સરકારે ઈથેનોલ ભેળવવાની છૂટ માત્ર ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સમાં વપરાતા પેટ્રોલ માટે જ આપી છે તેથી ચિંતા કરવાનું છોડી દો. 

ભાજપે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયે કેજરીવાલને ફેક ન્યૂઝના ચેમ્પિયન ગણાવીને કહ્યું છે કે, સરકારે વિમાનોમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (એસએએફ)ની મંજૂરી આપી છે પણ કેજરીવાલ ઈથેનોલની મંજૂરી અપાઈ હોવાનો દાવો કરીને જૂઠાણાં ફેલાવી રહ્યા છે. માલવિયના કહેવા પ્રમાણે, એસએએફ પણ એટીએફ જેટલું જ અસરકારક છે અને દુનિયાના ઘણા દેશોમાં વિમાનોમાં વપરાય છે. 

માલવિય કેજરીવાલને જૂઠા ગણાવે છે પણ એ પોતે પણ સો ટકા સત્ય તો નથી કહી રહ્યા. પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયે 17 એપ્રિલ 2026ના જાહેરનામા દ્વારા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના નિયમોમાં ફેરફાર કર્યો તેમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલમાં સિન્થેસાઇઝ્ડ હાઇડ્રોકાર્બનને ભેળવવાની મંજૂરી આપી જ છે. પેટ્રોલિયમ મંત્રાલયે `એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (રેગ્યુલેશન ઓફ માર્કેટિગ) ઑર્ડર, 2001'માં સુધારો કરીને એટીએફની વ્યાખ્યા અને તેના નિયમનની રીતને અપડેટ કરી તેમાં આ ફેરફાર કરાયો છે. 

સિન્થેસાઇઝ્ડ હાઇડ્રોકાર્બન મુખ્યત્વે શેરડી, વપરાયેલા ખાદ્ય તેલ, કૃષિ અવશેષો વગેરે સિન્થેટિક ફ્યુઅલ જેવા બાયો-ફીડમાંથી બને છે. માલવિયની એ વાત સાચી છે કે, એસએએફથી પ્લેન ચાલે છે પણ પ્લેન શુદ્ધ એસએએફથી ચાલે છે જ્યારે આપણે ત્યાં એટીએફમાં મિલાવટની છૂટ અપાયેલી છે તેથી તેમની વાતમાં જૂઠાણાનો અંશ છે જ. અલબત્ત, એસએએફ વિમાનો માટે જોખમી નથી. એસએએફને પરંપરાગત રીતે વિમાનોમાં વપરાતા એટીએફનો સ્વચ્છ વિકલ્પ માનવામાં આવે છે. એસએએફ વિમાનની સિસ્ટમમાં ફેરફાર કર્યા વિના કાર્બન  ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદરૂપ છે તેથી એ ખરાબ વિકલ્પ નથી.  

અત્યારે ચાલતાં પ્લેનનાં એન્જિનને તેના કારણે ખરાબ અસર થઈ હોય કે કોઈ દુર્ઘટના બની હોય એવું પણ કદી બન્યું નથી. તેના કારણે પ્રવાસીઓની સલામતી સામે ખતરાની કેજરીવાલની  વાતમાં દમ નથી. ઈથેનોલ અને એસએએફ બંને સાવ  અલગ પણ છે એ જોતાં કેજરીવાલની વાત તો સાવ જૂઠાણું જ છે તેમાં શંકા નથી.

એસએએફને સ્વચ્છ બળતણ માનવામાં આવે છે પણ દુનિયામાં તેનો ઉપાડ ને વપરાશ બહુ નથી એ હકીકત છે. તેનું કારણ એ કે, એસએએફ બહુ મોંઘું પડે છે. એટીએફ કરતાં એસએએફ ત્રણ ગણું મોંઘું છે. આ કારણે વિશ્વમાં પ્લેન ઉડાડવા માટે વપરાતા ફ્યુઅલમાં એસએએફનો હિસ્સો એક ટકા પણ નથી. છેલ્લા આંકડા પ્રમાણે માંડ 0.3 ટકા એસએએફ વપરાય છે. ઘણા દેશો એટીએફ પરની નિર્ભરતા ઘટાડવા માટે સબસિડી આપે છે, ટેક્સ ઓછો લે છે છતાં એસએએફ મોંઘું પડે છે તેથી દુનિયાની મોટી મોટી એરલાઈન્સ એસએએફ તરફ નથી વળી રહી.

દુનિયામાં સૌથી વધારે એસએએફનો વપરાશ કરનારી કંપની અલાસ્કા એરલાઇન્સ કુલ ફ્યુઅલ વપરાશમાં એસએએફનો હિસ્સો માત્ર 0.68 ટકા છે. યુનાઇટેડ, ડેલ્ટા અને જેટબ્લુ સહિતની બીજી ટોચની એરલાઇન્સે તો સાવ નહિવત પ્રમાણમાં એસએએફનો ઉપયોગ કરે છે. એસએએફનો ઉપાડ ઓછો હોવાથી તેનો ઉત્પાદન ખર્ચ વધારે છે એ જોતાં વપરાશ વધે તો ભાવ ઘટે પણ એરલાઈન્સ અત્યારે ખર્ચ ઓછો આવે તેનો જ વિચાર કરે તેથી ભવિષ્યમાં ફાયદો થશે એમ વિચારીને એસએએફ વાપરતી નથી. 

ભારતમાં વિમાની સેવાનો ઉપયોગ બહુ નથી થતો છતાં તેના માટેના ફ્યુઅલનો બોજ તો દેશ પર પડે જ છે કેમ કે એટીએફ ક્રૂડ ઓઈલમાંથી જ બને છે. આ સંજોગોમાં ભારતે પણ વૈકલ્પિક બળતણ વિશે વિચારવાની તો જરૂર છે જ. ભારતમાં 2018માં બાયોફ્યુઅલ પર પ્લેન ઉડાડવાનો પ્રયોગ સફળતાપૂર્વક કરાયેલો પણ પછી વાત આગળ વધી જ નહીં.  દિલ્હીથી દહેરાદૂન વચ્ચેની આ  ફ્લાઈટે દહેરાદૂન-દિલ્હી વચ્ચેનું અંતર 25 મિનિટમાં પૂરું કર્યું હતું. 

આ ફ્લાઈટ ભારતની પહેલી  બાયોફ્યુઅલ ફ્લાઈટ હતી તેથી એક ઈતિહાસ રચાઈ ગયો હતો. આ ઉડાન સાથે બાયોફ્યુઅલ વિમાન ઉડાડનારા ગણ્યાગાંઠયા દેશોની ક્લબમાં  ભારત આવી ગયેલો. ભારત પહેલાં માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કૅનેડાને જ બાયોફ્યુઅલ વિમાન ઉડાવવામાં સફળતા મળી છે એ જોતાં હવે આપણે આ મોટા દેશોની હરોળમાં આવી ગયા હતા જ્યારે બાયોફ્યુઅલ ફ્લાઈટ ઉડાડનારો તો ભારત દુનિયાનો પ્રથમ વિકાસશીલ દેશ બન્યો હતો. કમનસીબે આ પ્રયોગ ત્યાં જ પતી ગયો. ભારતે ખરેખર આવાં સાહસોને પોષવાની જરૂર છે પણ આપણા નેતાઓને વધારે રસ રાજકારણમાં છે.