નવી દિલ્હીઃ આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કરતા સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળવાની તૈયારી કરી લીધી છે. મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ ગઠબંધન 97 બેઠકો પર જીત મેળવી પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ, ભાજપના વિજય રથને રોકવા માટે મેદાને ઉતરેલી કોંગ્રેસ માત્ર 24 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે.
આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર જોરહાટ બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં આસામ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ ગૌરવ ગોગોઈની કારમી હાર થઈ છે. ગૌરવ ગોગોઈ, કે જેમના ચહેરા પર કોંગ્રેસે આખી ચૂંટણી લડી હતી, તેમને ભાજપના દિગ્ગજ નેતા હિતેન્દ્ર નાથ ગોસ્વામીએ 23,000 થી વધુ મતોના તફાવતથી પરાજય આપ્યો છે. ભાજપના ઉમેદવાર ગોસ્વામીને 69,000 થી વધુ મત મળ્યા હતા, જ્યારે ગોગોઈ માત્ર 46,000 મતો પર અટકી ગયા હતા. રસપ્રદ વાત એ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ગૌરવ ગોગોઈએ આ જ વિસ્તારમાં લીડ મેળવી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં જોરહાટ લોકસભા હેઠળની 10 માંથી 9 બેઠકો ભાજપ ગઠબંધનના ફાળે ગઈ છે, જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે.
ગૌરવ ગોગોઈને હરાવનાર હિતેન્દ્ર નાથ ગોસ્વામી હવે છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ અગાઉ આસામ વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને તેમની પકડ આ વિસ્તારમાં મજબૂત માનવામાં આવે છે. આ હાર સાથે જ આસામમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓનું રાજકીય ભવિષ્ય જોખમમાં મુકાયું છે. સમગ્ર જોરહાટ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે માત્ર શિવસાગર બેઠક પરથી અખિલ ગોગોઈ પોતાની શાખ બચાવવામાં સફળ રહ્યા હોય તેવું જણાય છે.