મુંબઈ: વિશેષ પીએમએલએ કોર્ટે સોમવારે 70 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સ્વઘોષિત ‘ગૉડમૅન’ અશોક ખરાત વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ જારી કર્યું હતું.
માર્ચમાં ધરપકડ કરાયેલા ખરાતને નાશિક જેલમાં રાખવામાં આવ્યો હોઇ વિશેષ જજ આર. બી. રોટેએ ખરાતને 18 મેના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવાના નિર્દેશ જેલના અધિકારીઓને આપ્યા છે. ‘આરોપીને પૂરતી પોલીસ સુરક્ષા સાથે લાવવામાં આવશે.’ કોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓને આ અંગે જરૂરી વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે.
પરિણીત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ખરાતે ત્રણ વર્ષ સુધી વારંવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ આરોપ બાદ ખરાતની ધરપકડ કરવામાં આવી હતી. ખરાત હાલ મહિલાઓનું જાતીય શોષણ અને બળાત્કાર સંબંધી અનેક કેસનો સામનો કરી રહ્યો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઇડી) ખરાત વિરુદ્ધ 6 એપ્રિના રોજ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો હતો.
એજન્સીએ ખરાત પર ‘બેનામી’ બૅંક ખાતાંના નેટવર્ક દ્વારા 70 કરોડ રૂપિયાની વધુની ખંડણીનું રૅકેટ ચલાવવા અને લોન્ડરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બૅંક ખાતાં એક વ્યક્તિના નામે છે, જ્યારે રૂપિયા બીજી વ્યક્તિ દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે.
ખરાતે પીડિતોની સંમતિ વિના તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને એક જ દિવસમાં અહિલ્યાનગર જિલ્લામાં સમતા નગરી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ખાતાં ખોલ્યાં હતાં અને 70 કરોડના વ્યવહાર કર્યા હોવાનો આરોપ છે, એવો ઇડીએ દાવો કર્યો છે.
ઇડીએ વિશેષ કોર્ટમાં અરજી કરી હતી કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને પીએમએલએ હેઠળ પ્રોડક્શન વોરન્ટ જારી કરવામાં આવે અને વિશેષ જજ સમક્ષ ખરાતને હાજર કરવાના નિર્દેશ જેલ સત્તાવાળાઓને આપવામાં આવે.
(પીટીઆઇ)