Mon Aug 31 2026

Logo

અશોક ખરાત કેસ: રૂપાલી ચાકણકરની SIT સામે પૂછપરછ, હજુ અનેક ખુલાસા બાકી

2026-05-10 17:59:08
Author: Mumbai Samachar Team
અશોક ખરાત કેસ: રૂપાલી ચાકણકરની SIT સામે પૂછપરછ, હજુ અનેક ખુલાસા બાકી

નાશિકઃ નાશિકના અશોક ખરાત કેસમાં રાજ્ય મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકર રવિવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સામે હાજર થયા. આ માટે તેઓ આજે સવારે પુણેથી નાશિક જવા નીકળ્યા હતા.

નાશિકની ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ટ્રેનિંગ કોલેજમાં એસઆઇટી ચીફ તેજસ્વી સાતપુતેએ તેમની પૂછપરછ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એસઆઇટી પૂછપરછ માટે જતી વખતે રૂપાલી ચાકણકરે રસ્તામાં કાર પણ બદલી હતી. ઉપરાંત, પુણેથી નાશિક જતી વખતે રૂપાલી ચાકણકરે ત્રણથી ૪ વખત તેમની કાર પણ રોકી હતી.

બીજી તરફ, સામાજિક કાર્યકર અંજલી દમણિયાએ આક્ષેપ કર્યો હતો કે આ કેસમાં અનેક મોટા ખુલાસાઓ હજુ બાકી છે. તેમણે માંગ કરી હતી કે એસઆઇટી એ રૂપાલી ચાકણકરની પૂછપરછ વખતે તેમના વકીલોને બહાર રાખવા જોઈએ. 

દમણિયાએ વધુમાં જણાવ્યું કે આમાં અનેક રાજકીય નેતાઓના આર્થિક વ્યવહારો જોડાયેલા છે, જેની માહિતી તેઓ ટૂંક સમયમાં ઇડી ને સોંપશે. તેમણે આગ્રહ કર્યો હતો કે અશોક ખરાતને મળનારા તમામ નેતાઓએ લેખિત ખુલાસો આપવો જોઈએ.