અમદાવાદ: અમદાવાદથી હિંમતનગર રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો માટે મહત્વના સમાચાર છે. કારણ કે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ટ્રેન નંબર 69243 અસારવા-ઉદયપુર મેમુ (DEMU) ના સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવો સમય અસારવા અને હિંમતનગર વચ્ચેના તમામ સ્ટેશનો માટે આગામી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬થી અમલમાં આવશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ નવા ફેરફારની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે જેથી મુસાફરી દરમિયાન કોઈ અગવડ ન પડે.
નવા સમયપત્રક મુજબ, આ ટ્રેન હવે અસારવા સ્ટેશનથી તેના નિર્ધારિત સમય ૧૦:૨૦ને બદલે ૩૦ મિનિટ વહેલી એટલે કે સવારે ૦૯:૫૦ કલાકે ઉપડશે. આ ફેરફારને કારણે વચ્ચે આવતા તમામ સ્ટેશનો જેવા કે સાહિજપુર, સરદારગ્રામ, નરોડા, દહેગામ અને પ્રાંતિજના સમયમાં પણ ફેરફાર થયો છે. ટ્રેન હવે હિંમતનગર સ્ટેશને બપોરે ૧૨:૦૫ના બદલે ૧૧:૫૫ કલાકે પહોંચશે, જેનાથી મુસાફરોનો મુસાફરી સમય પણ થોડો બચશે.

વચ્ચેના મુખ્ય સ્ટેશનોની વાત કરીએ તો, નરોડા ખાતે ટ્રેન ૦૯:૫૯ વાગ્યે, નંદોલ-દહેગામ ખાતે ૧૦:૨૪ વાગ્યે અને પ્રાંતિજ ખાતે ૧૧:૦૯ વાગ્યે પહોંચશે. રેલવે વિભાગે વધુમાં જણાવ્યું છે કે ટ્રેનના સ્ટોપેજ અને અન્ય વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે અથવા રેલવેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અપડેટ મેળવી શકે છે.