Wed May 06 2026

Logo

ગોરેગામના ફ્લૅટમાંથી 10.90 લાખના સોનાના દાગીના ચોરનારો પકડાયો

2026-05-06 19:19:18
Author: યોગેશ સી પટેલ
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ઈંદોર ગયેલા સિનિયર સિટીઝન દંપતીના ગોરેગામના ફ્લૅટમાંથી સોનાના દાગીના અને રોકડ ચોરનારા આરોપીની બાંગુર નગર પોલીસે ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીની ઓળખ પરશુરામ વિલાસ શેંડગે (42) તરીકે થઈ હતી. તેની પાસેથી ચોરીની બધી મતા હસ્તગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર ગોરેગામ પશ્ર્ચિમના બાંગુર નગર પરિસરમાં આવેલી પૉશ સોસાયટીમાં રહેતા કૃષ્ણન શંકર અય્યર (73) પત્ની સાથે 7 એપ્રિલે ઈંદોરમાં ભગવાનના દર્શન માટે ગયા હતા. 9 એપ્રિલે તે પાછા ફર્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.

ફ્લૅટનું તાળું તોડીને આરોપીએ કબાટમાંથી સોનાના દાગીના અને 35 હજારની રોકડ મળી અંદાજે 10.90 લાખની મતા ચોરી હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની તપાસ કરી હતી. ટેક્નિકલ બાબતોને આધારે પોલીસે આરોપી શેંડગેને ઓળખી કાઢ્યો હતો.

પોલીસે છટકું ગોઠવી શેંડગેને પકડી પાડ્યા બાદ તેની પાસેથી ચોરીની મતા હસ્તગત કરી હતી. ઓશિવરા બસ ડેપો નજીકની ઈમારતમાં રહેતા આરોપી વિરુદ્ધ ઓશિવરા, વિલેપાર્લે અને ક્રાઈમ બ્રાન્ચમાં 10 જેટલા ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.