Sat Mar 14 2026

Logo

સાગના વૃક્ષે રાતા પાણીએ રડાવ્યા ને અમૂલ્ય બચત ડૂબાડી...

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

પ્રફુલ શાહ

સાગમાં રોકાણ કસદાર-દમદાર-નફાકારક હોવા વિશે નિષ્ણાતો લાલ બત્તી ધરી રહ્યા હતા, એવામાં 1998ની 15મી ડિસેમ્બરે જાણે સત્ય-સ્ફોટ કરી દીધો. રૂા. 100 કરોડની અનુભવ પ્લાન્ટેશન્સ નામની કંપનીનો ફુગ્ગો ફૂટી ગયો. ચેન્નાઈ સ્થિત અનુભવ ગ્રૂપ ઑફ કંપનીનું આ ડિવિઝન એકાએક અખબારને છાપરે ચડી ગયું. કારણ? એકદમ સરળ અને સ્પષ્ટ હતું કે રોકાણકારોને મુદલ પાકયે મેચ્યોર થયેલી રકમ ચુકવાતી નહોતી.

સાગનાં વાવેતરમાં વિશ્વાસ કરનારા રોકાણકારોની ધીરજ ખૂટી, મનમાં ફફડાટ વધવા માંડ્યો પણ કરવું શું? આ બધા વચ્ચે અનુભવ ગ્રૂપના મેનેજિંગ ડિરેકટર સી. નેટશાન એકદમ ગાયબ થઈ ગયા. ફરી રોકાણકારોમાં ઉચાટ વધવા માંડ્યો. આ મામલે હવે પોલીસ અને અન્યો એકદમ સક્રિય થઈ ગયા.

અંતે એમ.ડી. સાહેબની ધરપકડ થઈ. રોકાણકારોના મનમાં આછી આશા જાગી ખરી. શું દિલ્હી દૂર હતી કે નજીક? અનેક રાજ્યોમાં અનુભવ ગ્રૂપની કચેરીઓ પર તાળાં લટકવા માંડ્યાં હતાં. હવે જવું ક્યાં માગણી કરવા? એક જ માર્ગ હતો, ધીરજ ધરો અને રાહ જુઓ.

આ અફરાતફરી વચ્ચે કંપનીએ વચગાળાનો માર્ગ કાઢયો. રોકાણકારોને મૂળ પ્લસ આવક પૂરેપૂરી તરત કે એક ઝાટકે મળવાની નહોતી. કંપનીએ કોમ્પ્રોમાઈઝ ફોમ્યુલા રજૂ કરી હતી. વચન અપાયું કે સન 1998, 1999ના ત્રીજા અને ચોથા કવાર્ટર (ત્રિમાસિક) અને સન 2000ના પહેલા ત્રણ કવાર્ટરના વચગાળાની ચુકવણી સને 2000ની પહેલી ઑક્ટોબરે કરાશે, વાર્ષિક બાર ટકાના વ્યાજ સાથે.

હકીકતમાં તો રોકાણકારોને એમની થાપણ પાછી ચુકવી ન શકતા. 1998માં કંપનીએ શટર પાડી દીધા હતા. આ અનુભવ ગ્રૂપ નાનુંસુનું નહોતું. એ ગ્રૂપ હેઠળ અનુભવ એગ્રોટેક, અનુભવ ગ્રીન ફાર્મ્સ ઍન્ડ રિસોર્ટસ, અનુભવ પ્લાન્ટેશન્સ અને અનુભવ રોયલ ઓચાર્ડસ એક્સપોર્ટસ જેવી કંપનીઓ હતી. 

શરૂઆતમાં તો ગ્રુપના ચેરમેન અને એમ.ડી. નેટશાન ભૂગર્ભમાં જતા રહ્યા અને બાકીના ડિરેકટરોએ એ બાબતમાં અજ્ઞાન વ્યક્ત કરી દીધું હતું. ધીરે-ધીરે આ કામગીરી મોટું સ્કૅમ કે છેતરપિંડી હોવાનું જગજાહેર થયું. હાલ વિકીપીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ અનુભવે રૂા. 400 કરોડની છેતરપિંડી કરી હતી. એટલે હજીય મીડિયામાં  એનો ઉલ્લેખ ‘ધ ગ્રેટ પ્લાન્ટેશન સ્કૅમ ઑફ 1990’ તરીકે થાય છે.

આ સાગનો વાઘ 1998ના જાન્યુઆરીમાં કાગળનો હોવાનો સાબિત થવા માંડ્યું હતું. રોકાણકારો ને અપાયેલા ચેક બાઉન્સ થવા માંડ્યા હતા. અનેક રોકાણકારોના માત્ર પહેલા બે ચેક ક્લિઅર થયા પણ પછી ચેક બાઉન્સ થવા માંડ્યા હતા.

આ નાનીસુની ઉપાધિ નહોતી કારણ કે રોકાણકારો કંઈ લખપતિ કે કરોડપતિ નહોતા. એ બધા મધ્યમ વર્ગીય  અને નિવૃત્ત નાગરિકો હતા, જેમણે પોતાની બચતનું કંપનીમાં રોકાણ કર્યું હતું. મુંબઈ, પુણે, સાંગલી, ત્રિચી અને સિમલાના. આમ આદમીએ રૂા. 55 હજારથી રૂા. 50 હજાર વચ્ચેની મૂડી રોકી હતી.

પોતાની મૂળ મૂડીની ચિંતા કરનારા સૌએ એક હાશકારો અનુભવ્યો 1998ના ડિસેમ્બરમાં. બીજી ડિસેમ્બરે બધા રોકાણકારોને પત્ર મળ્યો કે ચેન્નાઈની વુડલેન્ડસ હૉટેલમાં આપની રકમ પાછી લેવા માટે આવી જાઓ. અને અમુક રોકાણકારો ચેન્નાઈ પહોંચ્યા. લો રોયાપેટ્ટા સ્થિત અનુભવની ઑફિસના બંધ દરવાજાએ આવકાર આપ્યો.

ખબર પડી કે એમ.ડી. ગાયબ છે ને કંપની થઈ ગઈ છે બંધ.
આને પગલે પોતાના સર્વસ્વનું રોકાણ કરનારા કેટલાંક રોકાણકારો તો નાદારીને આરે આવી ગયા. અને ચેન્નાઈ જનારા જ નહિ, અન્ય શહેરની અનુભવની ઑફિસે જનારા રોકાણકારોને સમાન અનુભવ થયો. તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ. ચેન્નાઈ સ્થિત કંપનીના મુખ્ય મથક પર રોકાણકારોએ દેખાવ યોજયા પણ ત્યાં કોઈ જોવાવાળું હતું ક્યાં? અમુક શહેરના રોકાણકારોએ સંયુક્ત લડાઈ માટે પોતાના ગ્રુપ બનાવ્યા અને પ્રયાસ ઉગ્ર બનાવતા રહ્યા. સરકારે ગ્રુપની કામગીરીની તપાસ શરૂ કરાવી. મદ્રાસ હાઈ કોર્ટે લિકવીડેટરની નિમણૂક કરી. પછી તો ધરપકડ, ચાર્જશીટ એવી બધી પ્રક્રિયા થતી રહી.

ભારતમાં આ એક માત્ર પ્લાન્ટેશન્સ સ્કૅમ નહોતું લાગ્યું. આમાં સૌથી 5.85 કરોડ રોકાણકારો પાસેથી રૂા.49,100 કરોડ ઉઘરાવ્યા હતા પર્લ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડે. આ માહિતી ‘સેબી’એ જાહેર કરી હતી.

... અને હા, સાત વર્ષની જ્યુડિશિયલ કસ્ટડી બાદ 2000માં નેટશાનને જામીન પર છોડી મુકાયા હતા. કંપનીએ ઘણાં રોકાણકારોને પૈસા પાછા ચૂકવી દીધા પણ 204 ડિપોઝિટર્સ અંદાજે પોતાના રૂા. સાત કરોડ પાછા આવવાની રાહ જોતા બેસી રહ્યા હતા.
કૃષિ પ્રધાન દેશમાં આવાં પ્લાન્ટેશન્સ કાંડ થાય એ કેવી વક્રતા?       (સંપૂર્ણ)