Fri Aug 28 2026

Logo

અંધેરીમાં બેસ્ટની બસના બ્રેક ફેઈલ થતા અનેક વાહનોને અડફેટમાં લીધા: સાત જખમી

2026-07-10 19:20:00
Author: Sapna Desai
અંધેરીમાં બેસ્ટની બસના બ્રેક ફેઈલ થતા અનેક વાહનોને અડફેટમાં લીધા: સાત જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
અંધેરીમાં પૂરઝડપે દોડી રહેલી બેસ્ટની બસના બ્રેક ફેઈલ થઈ જતા તેણે અનેક વાહનોને અડફેડમાં લીધા હતા. લગભગ ૧૪ જેટલા વાહનોને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ ઍક્સિડન્ટમાં સાતથી વધુ લોકો જખમી થયા હતા અને તેમને ખાનગી તથા  કૂપર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

બેસ્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ શુક્રવારે સાંજના લગભગ ૬.૧૦ વાગ્યાની આસપાસ બેસ્ટની  ૨૪૨ નંબરની બસ મિલ્લત નગરથી અંધેરી (પશ્ર્ચિમ)માં જઈ રહી હતી ત્યારે અંધેરી સબવે પાસે સીઝર રોડથી જમણી તરફ ટર્ન લઈને એસ.વી. રોડ તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરનો બસ પરથી નિયંત્રણ છૂટી ગયું હતું  અને તેણે આગળ રહેલી કાર અને ઓટોરીક્ષાને અડફેટમાં લઈ લીધા હતા.

બેસ્ટના પ્રવક્તાના જણાવ્યાં મુજબ આ બસ વેટ લીઝ પર લીધેલી છે અને તે માતેશ્વરી અર્બન ટ્રાન્સપોર્ટ કંપનીની છે. સાંતાક્રુઝ ડેપોની આ બસ છે.

પોલીસના જણાવ્યાં મુજબ ૨૪૨ નંબરની બસના ડ્રાઈવરનું બસ પરથી નિયંત્રણ છૂટી જતા બસે અંધેરીમાં ૧૪ વાહનોને અડફેટમાં લીધા હતા, જેમાં કારની સાથે જ ઓટોરિક્ષાનો સમાવેશ થાય છે. આ ઍક્સિડન્ટમાં નવ ઓટો રિક્ષા, એક થ્રી વ્હીલર ટેમ્પો અને ચાર ખાનગી કારને નુકસાન થયું હતું. બેસ્ટના ૩૦ વર્ષના ડ્રાઈવર સાહિલ સુર્યકાંત સાવંત સહિત કંડકટરને તપાસ માટે ડી.એન. નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં  આવ્યા હતા.