Mon May 11 2026

Logo

તારાપુર હાઈવે પર ટ્રક પાછળ કેરી ભરેલો ટેમ્પો ઘૂસી જતાં 4ના મોત

2026-05-11 15:11:00
Author: Mayur Kumar Patel
Article Image

આણંદ: રાજ્યના રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. આણંદના તારાપુર પાસે આવેલા ફતેપુરા ગામ નજીક આજે એક અત્યંત કરુણ અને ગોઝારી અકસ્માતની ઘટના બની હતી. રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલો કેરી ભરેલો ટેમ્પો ધડાકાભેર ઘૂસી જતાં ટેમ્પોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા

મળતી વિગતો અનુસાર, આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે પડીકું વળી ગયો હતો. ટેમ્પોમાં સવાર તમામ લોકો શ્રમિકો હતા અને તેઓ મૂળ દાહોદ જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં બે મહિલા અને એક નિર્દોષ બાળકનો પણ સમાવેશ થાય છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પાંચ લોકોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી હતી.

આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક અકસ્માતો થયા હોવા છતાં તંત્ર દ્વારા અહીં કોઈ પણ પ્રકારના ચેતવણી કે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી.