Tue Jul 28 2026

Logo

આણંદ એસીબીની મોટી કાર્યવાહી: રૂ. ૧.૨૦ લાખની લાંચ માંગનાર તલાટી અને વચેટિયો 10 હજાર લેતા ઝડપાયા...

2026-02-20 16:36:00
Author: Devayat Khatana
Article Image

(અમારી પ્રતિનિધિ તરફથી)
આણંદ: અહીંની જિલ્લા સેવાસદન કચેરી ખાતે ફરજ બજાવતા રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપુત અને એક ખાનગી વ્યક્તિ બદરૂદીન મલેકને રૂ. ૧૦,૦૦૦ની લાંચ લેતા આણંદ એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. 

ફરિયાદીના પિતાની બાકરોલ સ્થિત વડીલોપાર્જીત જમીનની વારસાઈ નોંધ નામંજૂર થઈ હતી, જેની અપીલની કામગીરી કરી આપવા માટે તલાટીએ કુલ રૂ. ૧,૨૦,૦૦૦ની લાંચ માંગી હતી. આ પૈકી રૂ. ૩૦,૦૦૦ અગાઉ ગૂગલ પે મારફતે સ્વીકારી લીધા બાદ, બાકીના કામ માટે વધુ રૂ. ૧૦,૦૦૦ની માંગણી કરવામાં આવતા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીની ટીમે સેવાસદન કચેરીની બહાર છટકું ગોઠવ્યું હતું. તલાટી ગૌરવ રાજપુતના કહેવાથી વચેટિયા બદરૂદીન મલેકે ફરિયાદી પાસેથી લાંચના રૂ. ૧૦,૦૦૦ સ્વીકાર્યા હતા, જે સમયે એસીબીએ ત્રાટકીને બંનેને પકડી લીધા હતા. 

એસીબીએ લાંચની રકમ રિકવર કરી બંને આરોપીઓ સામે ગુનાહિત ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.