Sat Aug 22 2026

Logo

આંકલાવના ઉમેટા અને પેટલાદના સુંદરણા ગામની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનારા આરોપીઓને કોર્ટે શું કરી સજા?

2026-03-06 15:25:00
Author: Mayur Patel
Article Image

આણંદઃ આંકલાવ તાલુકાના ઉમેટા ગામની સગીરાને લગ્નની લાલચ આપી, ભગાડી લઈ જઈ દુષ્કર્મના  ગુનામાં  આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 26,000 રૂપિયાનો દંડ તથા ભોગબનનાર સગીરાને 4,00,000 રૂપિયાની સહાય કરવાનો આણંદ સ્પેશ્યલ પોકસો કોર્ટમાંથી ચુકાદો આપ્યો હતો. જ્યારે પેટલાદ તાલુકાના સુંદરણા ગામની સગીરાને લગ્નની લાલચ આપી, ભગાડી લઈ જઈ દુષ્કર્મના  ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ અને ભોગબનનાર સગીરાને 50,000 રૂપિયાની સહાય કરવાનો પેટલાદ સ્પેશ્યલ પોકસો કોર્ટમાંથી ચુકાદો આપવામાં આવ્યો હતો.

આંકલાવ પોલીસ સ્ટેશન  અને  પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ કેસ બાદ તત્કાલીન પેટલાદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર  ડી.આર. ચૌધરી તથા CPI કચેરીની ટીમે ગુનાની ગંભીરતા સમજી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ સુરેશભાઈ ઉર્ફે ફીરોઝ માનસંગભાઈ વાઘેલા (ગામ:-ઉમેટા)ને રાજસ્થાનના અજમેરમાંથી  તથા નિલેશભાઈ જશવંતભાઈ ઠાકોર (ગામ-નાપા, એકતાનગર)ને બોટાદ જિલ્લાના રંગપુર ગામેથી શોધી કાઢ્યા હતા.

જે બાદ બંને આરોપીઓ પુરાવા ભેગા કરી સમયમર્યાદામાં ચાર્જશીટ કરી હતી. જે આધારે તેમને સજા ફટકારવામાં આવી હતી.