Mon Oct 05 2026

Logo

૮૦ લાખની ચાંદી લઈ ભુજની આંગડિયા પેઢીનો કર્મચારી રફૂચક્કર

2026-05-13 13:17:00
Author: Mumbai Samachar Team
૮૦ લાખની ચાંદી લઈ ભુજની આંગડિયા પેઢીનો કર્મચારી રફૂચક્કર

ભુજઃ  અમદાવાદથી ભુજ તરફ અંદાજે ૮૦ લાખ રૂપિયાની ચાંદી લઈને નીકળેલો આંગડિયા પેઢીનો એક કર્મચારી રસ્તામાં જ કિંમતી માલસામાન સાથે ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે અમદાવાદના કાલુપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, 'એચ. પ્રવીણ' નામની જાણીતી આંગડિયા પેઢીનો એક કર્મચારી ત્રણ દિવસ પહેલા અમદાવાદથી ભુજના વેપારીઓને ડિલિવરી આપવા માટે અંદાજે ૮૦ લાખની ચાંદી લઈને નીકળ્યો હતો. સામાન્ય રીતે આંગડિયાના કર્મચારીઓ સુરક્ષાના કારણોસર મુસાફરી દરમિયાન બસ અને રૂટ બદલતા રહેતા હોય છે, પરંતુ આ કર્મચારી નિયત સમયે ભુજ ન પહોંચતા અને તેનો સંપર્ક ન થતાં પેઢી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે કર્મચારી ચાંદી લઈને ફરાર થઈ ગયો હોવાનું જણાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

આ ઘટનાએ આંગડિયા વ્યવસાયની કાર્યપદ્ધતિ અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. કેટલાક વેપારીઓ આ ઘટનાને માત્ર કર્મચારીની છેતરપિંડી નહીં, પરંતુ પેઢીની આંતરિક બેદરકારી કે ગેરરીતિ સાથે પણ જોડી રહ્યા છે. રોકડ વ્યવહારો મોટે ભાગે શાખાઓ વચ્ચે એડજસ્ટ થઈ જતા હોય છે, પરંતુ સોના-ચાંદીનું ભૌતિક પરિવહન હંમેશા જોખમી રહેતું હોય છે.

કચ્છના અનેક સોની વેપારીઓ વર્ષોથી અમદાવાદ અને રાજકોટથી દાગીના મંગાવવા કે સોનું-ચાંદી મોકલવા માટે આંગડિયા સર્વિસ પર નિર્ભર રહે છે. આંગડિયા વ્યવસાય વર્ષોથી વિશ્વાસ પર ચાલતો હોવા છતાં, આ પ્રકારની ઘટનાઓએ વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે. હાલમાં અમદાવાદ અને કચ્છ પોલીસ સંયુક્ત રીતે આ ફરાર કર્મચારીને ઝડપી પાડવા અને ૮૦ લાખની ચાંદી રિકવર કરવા માટે તપાસ ચલાવી રહી છે.

(ઉત્સવ વૈદ્ય)