Thu Jun 25 2026

Logo

અલખનો ઓટલોઃ માળા છે ડોકમાં... ભગવાનનું નામ-જાપ કરવાથી મનને શાંતિ તો મળે જ છે સાથે જ એકાગ્રતા પણ વધે છે. આપણાં ઇષ્ટદેવનું નામ સ્મરણ તો સતત કરતા રહેવું જોઈએ.

2026-06-22 13:19:00
Author: Dr. Niranjan RajyaGuru
Article Image

ડૉ. નિરંજન રાજ્યગુરુ

ભારતીય સનાતન સંસ્કૃતિમાં તમામ ધર્મ-પંથ-સંપ્રદાયોમાં માળાનું મહત્ત્વ સચવાયું છે. દેવદેવીના નામ કે મંત્રનો જપ કરતાં, તેની ગણતરીનાં સાધન તરીકે, બધે જ વિવિધ પ્રકારની માળાઓ પ્રચલિત છે. પુરાણો અને તંત્રગ્રંથોમાં દરેક ઉપાસક વ્યક્તિએ પોતાની સાધના માટે માળા કેવી રીતે તૈયાર કરવી એનો વિધિ પણ આપ્યો છે. 

શૈવ માટે રુદ્રાક્ષ, વૈષ્ણવ માટે તુલસી, શાક્ત માટે ભાક્ષ, ઉપરાંત સ્ફટિક, ચણોઠી, શંખ, પ્રવાલ, વિવિધ ફળો, કમળકાકડી, મોતી, ચંદનકાષ્ટ, તથા સોનું, ચાંદી, તાંબું જેવી વિવિધ ધાતુઓના પારા, નિલમ, માણેક જેવાં જુદાંજુદાં અનેક રત્નો, વિવિધ વનસ્પતિના મૂળ કે કાષ્ટ, પશુ-પ્રાણીઓના હાડકાં, હાથીદાંત વગેરેમાંથી જુદી જુદી જાતની માળાઓ બનાવવામાં આવે છે. 

શરીરની શોભા વધારવા માટે તથા ઉપાસના-સાધના માટે જપની ગણતરી કરવા માળાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મરણ માટેની નાનકડી માળાને સુમરની કહેવામાં આવે છે.

દરેક જપમાળામાં પારાની સંખ્યા 32 થી 108 સુધી જુદી જુદી હોય છે. આ જપ માળા ગૌમુખીમાં રાખીને ફેરવવાનું મહત્ત્વ વિશેષ છે. માળા અંગુઠા અને મધ્યમા આંગળી વડે ફેરવાય છે. 

કેટલાક ગ્રંથોમાં માળાના ત્રણ પ્રકારો  દર્શાવ્યા છે : (1) કરમાલા કે પર્વમાલા (2) વર્ણમાલા અને (3) અક્ષમાલા. ભગવાન શ્રી કૃષ્ણનો મંત્રજપ ગણવા તુલસી એટલે વૃંદાવનના કાષ્ઠની, લક્ષ્મીના મંત્ર જપ માટે સોનાની અને મણિની, સરસ્વતીના મંત્રજપ માટે ચાંદીની અને મોતીની, રામના મંત્રજપ માટે કમળના બીજની, વિષ્ણુના મંત્રજપ માટે આંબળા કે તુલસીની, શિવના મંત્ર જપ માટે રુદ્રાક્ષ, ભાક્ષ કે ઇનક્ષની, ગાયત્રી, વૈષ્ણવીના મંત્રજપ માટે દર્ભની ગાંઠની અને સૂર્યના મંત્રજપ માટે સ્ફટિકની માળા, 

ગણપતિના મંત્રજપ માટે હાથીદાંતની, ત્રિપુરાના મંત્રજપ માટે લાલ ચંદનની અને ભાક્ષ કે ઈનક્ષની માળા, દશ મહાવિદ્યામાં  કાલિકા, છિન્નમસ્તા, ત્રિપુરા અને તારિણી એ દેવીઓના મંત્રજપ રુદ્રાક્ષ, નીલસરસ્વતીના જપ અને વિધિમાં મોટા શંખની માળા અર્થાત્ માણસની ખોપરી અને હાડકાંના ટુકડાઓની બનેલી માળાનો અને તારા વિદ્યાના જપમાં કાન અને બે આંખોની વચ્ચેનાં હાડકાંની બનેલી માળા કે માણસની આંગળીઓનાં હાડકાંની બનેલી માળા, ધૂમાવતીની ઉપાસના વિધિમાં સ્મશાનમાં ઊગેલા ધંતૂરાનાં ફૂલોની માળા ભૈરવી વિદ્યામાં સોનાની, મણિની, સ્ફટિકની, શંખની અને પરવાળાની માળા વડે ઉપાસના-સાધના કરવામાં આવે છે. જેમાં જુદાજુદા પશુ-પ્રાણીઓ, માછલીનાં દાંત, શિંગ, હાડકાંનો પ્રયોગ પણ થાય છે. 

એક સેરની માળા, બે સેરની માળા, ત્રણ સેરની માળા એમ પણ માળાના પ્રકારો જોવા મળે છે.

જગતના દરેક ધર્મ-પંથ-સંપ્રદાયોની  પોતપોતાની સગુણ કે નિર્ગુણ-સાકાર-નિરાકાર ઉપાસનામાં વિશિષ્ટ ચીજોની, સાઈઝની, રંગની માળાઓ જોવા મળે છે. જુદી જુદી આકૃતિઓનાં અને રંગનાં ભભૂત, સિંદૂર, રામતુલસી, ગોપીચંદન, કુમકુમ, શ્વેતચંદન, રક્તચંદન, ગુરુચરણરજ દ્વારા કરેલાં  ત્રિપુંડ, ઊર્ધ્વપુંડ્ર, ઊર્ધ્વપુંડ્ર-શ્યામબિન્દી, વૈશેષી તિલક અને માળાથી તેના અનુયાયીઓનો પરિચય મળી રહે છે. 

આપણે ત્યાં ગવાય છે...

ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં..
નારાયણ નામની હો, માળા છે ડોકમાં..
જૂઠું બોલાય નહીં, ખોટું બોલાય નહીં,
અવળું ચલાય નહીં હો. માળા છે ડોકમાં..0
ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં,
કોઈને દુ:ભવાય નહીં હો.. માળા છે ડોકમાં..0
પરને પીડાય નહીં, હુંપદ ધરાય નહીં,
પાપને પોષાય નહીં હો.. માળા છે ડોકમાં..0
સુખમાં છકાય નહીં, દુ:ખમાં રડાય નહીં,
ભક્તિ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં..0
ધન સંઘરાય નહીં, એકલાં ખવાય નહીં,
ભેદ રખાય નહીં હો.. માળા છે ડોકમાં..0
બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં,
બાનું લજવાય નહીં હો.. માળા છે ડોકમાં.. 0
હરિહરાનંદજી કહે સત્ય ચૂકાય નહીં,
નારાયણ વિસરાય નહીં હો.. માળા છે ડોકમાં..0

અર્વાચીન સમયના સિદ્ધ સંત-કવિ હરિહરાનંદજી બાપુ દ્વારા સરધાર (જિ. રાજકોટ) ગામે આશ્રમની સ્થાપના  થયેલી. તેમના એક શિષ્ય થયા ખ્યાતનામ ભજનિક નારાયણસ્વામી. ‘ગુરુજીના નામની હો માળા છે ડોકમાં’ ભજન રચના તેમના નામાચરણથી તમામ લોકભજનિકો ગાતા રહે છે.