મુંબઈઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક અને કરુણ નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ન પૂરી શકાય એવો શૂન્યાવકાશ સર્જાયો છે. રાજકારણ એ આટાપાટાની રમત છે, પરંતુ આ રૂક્ષ અને કઠોર માહોલને પણ અજિત પવાર પોતાના લાફ્ટર અને લાઈટ બનાવી દીધા હતા. તેમનો આ અંદાજ તેમના સમર્થકો જ નહીં પણ વિપક્ષના નેતાઓને પણ હસાવતો હતો. ચાલો નજર કરીએ અજિત પવારના આવા જ કેટલાક નિવેદનો પર જે લોકોને હંમેશા તેમની યાદ અપાશે...
રાજકારણ એ એક શતરંજ છે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આ ખેસના અઠંગ ખિલાડી. અજિત દાદાની સ્ટાઈલ ક્યારેક તિખી તો ક્યારેક એકદમ રમૂજી. રાજકારણની અઘરામાં અઘરી ક્ષણોને દાદા પોતાના હ્મુમરથી લાઈટ અને લાફટરથી ભરી દેતાં હતા. અજિત પવાર બોલવા કરતાં કરવામાં વિશ્વાસ રાખનારા નેતા હતા અને તેમનું હ્યુમર રાજકીય તાણને ચપટી વગાડતાંમાં ગાયબ કરી દેતું હતું. આજે આપણે આ સ્ટોરીમાં અજિત દાદાના આવા જ કેટલાક નિવેદનો વિશે વાત કરીશું...
અજિત દાદા આઈ લવ યુ...
એક વખત રેલી દરમિયાન અજિત પવારના એક સમર્થકે તેમને દૂરથી આઈ લવ યુ દાદા કહ્યું હતું. આ સાંભળીને અસહજ થવાને બદલે અજિત પવારે પોતાની હાજરજવાબીનો પરિચય આપતાં અનોખા અંદાજમાં જવાબ આપ્યો હતો કે પહેલાં ઘડિયાળનું બટન દબાવો (વોટ આપો)... ઘરે જઈને પત્નીને કહેતાં રહો લવ યુ લવ યુ....
લોકસભા સમયે આ વચન ક્યાં ગયું હતું...
પવાર મહારાષ્ટ્રના રાજકારણના એ ઘડિયાળ હતા જેના કાંટાઓ ક્યારેક રોકાવવાનું નામ નહોતા લેતા. બારામતી સાથે અજિત દાદાની કંઈ કેટલીય યાદો જોડાયેલી છે. 2024માં બારામતીમાં અજિત પવાર કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી રહ્યા હતા. એ સમયે એક કાર્યકર્તાએ નારો લગાવ્યો કે એક ચ વાદા, અજિતદાદા (એક જ વચન અજિત દાદા). અજિત પવાર પણ આ સાંભળીને ક્યાં પાછળ રહેવાના હતા તેમણે તરત જ મજાકમાં કહ્યું કે આ વચન લોકસભા સમયે ક્યાં ગયું હતું?
તમારી પાસે વોટ છે, મારી પાસે ફંડ છે...
અજિત પવાર જે હોય તે કહેવામાં વિશ્વાસ રાખતા હતા. થોડાક સમય પહેલાં જ મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે યોજાયેલી પ્રચાર સભામાં અજિત પવારનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. આ સમયે અજિત પવારે સભામાં કહ્યું હતું કે તમારી પાસે વોટ છે, મારી પાસે ફંડ છે... જો તમે કટ મારશો તો હું પણ કટ મારીશ... હવે તમે નક્કી કરો કે શું કરવાનું છે.
સીએમ બનવાનો મોકો ક્યારેક તો આવશે...
67 વર્ષના અજિત પવાર પોતાની લીડરશિપ ક્વોલિટીને લઈને ખૂબ જ આશાસ્પદ અને આત્મવિશ્વાસથી ભરપૂર હતા. ગયા વર્ષે જ્યારે મહારાષ્ટ્રમાં મહિલા સીએમ કેન્ડિડેટને લઈને વાતો થઈ રહી હતી ત્યારે તેમણે પોતાની ઈચ્છા રજૂ કરી હતી. મહારાષ્ટ્ર દિવસે એનસીપીએ ગૌરવશાળી મહારાષ્ટ્ર નામના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ જ સમયે એક પત્રકારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને એક મહિલા મુખ્ય પ્રધાન મળવા જોઈએ. વાત તો ખૂબ જ સામાન્ય હતી. પરંતુ અજિત પવારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હવે મને પણ ઘણી વખત એવું લાગે છે કે મારે મુખ્ય પ્રધાન બનવું જોઈએ, પણ હજી સુધી આવો યોગ નથી આવ્યો.પણ ક્યારેકને ક્યારેય એ મોકો આવશે...
હું શપથ લેવાનો છું...
2024માં મહારાષ્ટ્રમાં એનડીએને બંપર બહુમત મળ્યું હતું. પરંતુ સીએમ, ડેપ્યુટી સીએમના નામને લઈને રસાકસી ચાલી રહી હતી ત્યારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર હાજર હતા. એ સમયે પત્રકારે એકનાથ શિંદેને પૂછ્યું કે શું તમે શપથ લેશો? જેના જવાબમાં શિંદેએ જણાવ્યું કે સાંજ સુધી ખ્યાલ આવી જશે. શિંદેનો આ જવાબ સાંભળીને અજિત પવારે તરત જ જણાવ્યું કે આમનું સાંજ સુધી ખબર પડશે, હું તો શપથ લેવાનો છું... શિંદેએ પણ પવારની મજાક કરતાં જણાવ્યું કે દાદાને અનુભવ છે અને તેઓ સાંજે પણ લે છે અને સવારે પણ લે છે... અજિત દાદાનો આ જવાબ સાંભળીને ફડણવીસ, શિંદે અને હાજર પત્રકારો હસી પડ્યા હતા.
દુર્ભાગ્યની વાત છે કે હવે આ તમામ ઘટનાઓ માત્ર યાદોમાં જ રહેશે. અજિત પવારનું હ્યુમર માત્ર બયાનો પૂરતું જ મર્યાદિત નથી, પણ તેમની ફટાફટ સ્ટાઈલ જીવનની અનિશ્ચિતતા પર લાગુ થાય છે. તેઓ હંમેશા કહેતાં કે સમય ના વેડફશો, કામ કરો... આજે તેમની વસમી વિદાય બાદ આ વાત વધારે ઊંડાણવાળી લાગી રહી છે.