ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI હબ તરીકે ભારત વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે, રોજગારીની નવી તકો સર્જાશે
નવી દિલ્હીઃ એશિયા-પેસિફિક અને મધ્ય પૂર્વ ક્ષેત્રની અગ્રણી હાઇપરસ્કેલ ડેટા સેન્ટર કંપની એરટ્રંકએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. કંપની ૨૦૩૦ સુધીમાં ભારતમાં ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણનો ઉદ્દેશ્ય ભારતની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓને મજબૂત બનાવવાનો અને દેશને વૈશ્વિક વિકાસ વ્યૂહરચનાના મુખ્ય ભાગ તરીકે સ્થાપિત કરવાનો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટ દ્વારા આ ઐતિહાસિક રોકાણ વિશે દેશને જાણકારી આપી હતી. તેમણે એરટ્રંકના સ્થાપક અને સીઇઓ રોબિન ખુદા સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું કે કંપની ભારતમાં ૫ જીડબ્લ્યુ (ગીગાવોટ) ક્ષમતાવાળા વિશાળ ડેટા સેન્ટર બનાવશે.
મોદીએ રોકાણના ફાયદાઓ પર ભાર મૂકતા કહ્યું કે ભારતની ડિજિટલ સફર હવે નવી ઊંચાઇઓ સર કરી રહી છે. આ દેશના ડિજિટલ ઇકોસિસ્ટમમાં અત્યાર સુધીના સૌથી મોટા રોકાણો પૈકીનું એક છે.
આ રોકાણથી ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)ના ગ્લોબલ હબ તરીકે ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે. દેશમાં સ્થાનિક સ્તરે રોજગારની નવી તકોનું સર્જન થશે અને સપ્લાય ચેનને વેગ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે વૈશ્વિક ડિજિટલ અર્થવ્યવસ્થાનું ભવિષ્ય ભારતમાં નક્કી થઇ રહ્યું છે. એરટ્રંકના સીઇઓ ખુદાએ જણાવ્યું કે ભારતના ડિજિટલ અર્થતંત્ર માટે વડા પ્રધાન મોદીના વિઝને ટેક્નોલોજી રોકાણ માટે વિશ્વના સૌથી આકર્ષક સ્થળો પૈકીનું એક બનાવવામાં મદદ કરી છે.
ખુદાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ભારત પાસે વૈશ્વિક એઆઇ પાવરહાઉસ બનવા માટે જરૂરી પ્રમાણ, પ્રતિભા અને મહત્વાકાંક્ષા છે. એરટ્રંક તે વિઝનને સમર્થન આપવા માટે ઉત્સાહિત છે.