શેરધારકોની સંપત્તિમાં વીસ ટકાનો ભયાનક કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : એન્થ્રોપિકે સર્જેલા એઆઇ વાવાઝોડની ઝપટમાં આવેલા આઇટી કંપનીઓના શેરોનો ભૂક્કો બોલી ગયો છે અને તેને કારણે આ કંપનીઓના શેરધારકોના લાખો રૂપિયા ધોવાઇ ગયા છે. માત્ર ૧૦ દિવસમાં આઇટી શેરોમાં ૨૦ ટકાનું ધોવાણ નોંધાયું છે.
વિશ્ર્વ અત્યારે અસાધારણ ટેકનોલોજીકલ પરિવર્તન કાળમાંથી પસાર થઈ રહ્યું છે, એમાં ખાસ વર્ષોથી પોતાનું આધિપત્ય જમાવનારા કોમ્પ્યુટર સોફ્ટવેર ઉદ્યોગના અસ્તિત્વને ખતરામાં મૂકી દેતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ડેવલપમેન્ટે વિશ્વભરમાં ખળભળાટ મચાવી દઈ આઈટી-ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના શેરોમાં રોકાણકારોની મૂડીનો કચ્ચરઘાણ બોલાવી દીધો છે.
ભારતમાં પ્રમુખ આઈટી-ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના શેરોમાં સતત ગાબડાં પડવાનું ચાલુ રહી પાછલા ૧૦ દિવસમાં ભાવો ૨૦ ટકા સુધી તૂટયા છે. એઆઈ કંપની એન્થ્રોપિક દ્વારા તાજેતરમાં ક્લાઉડને ચોક્કસ ઉદ્યોગોમાં ચોક્કસ કાર્યોને સંભાળવામાં મદદ કરવા માટે ટુલ્સ પ્રદાન કરવાનું જાહેર કરીને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ ક્ષેત્રે અનેક કંપનીઓનું અસ્તિત્વ જોખમમાં આવી પડવાનો સંકેત આપ્યા બાદ વૈશ્વિક બજારોમાં આઈટી શેરોમાં સતત કડાકો બોલાઈ રહ્યો છે.
ભારતીય શેર બજારોમાં છેલ્લા ૧૦ દિવસમાં આઈટી શેરોમાં ફંડોના ભારે વેચવાલીના દબાણે બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૨૬૭ પોઈન્ટ એટલે કે ૧૪.૨૯ ટકાનું ધોવાણ થઈ ૩૧૫૯૧ની સપાટીએ આવી ગયો છે. જ્યારે નિફટી આઈટી ઈન્ડેક્સ ૧૪.૫૭ ટકા એટલે કે ૫૩૩૦ પોઈન્ટ તૂટીને ૩૨૬૮૧ના ૧૧ મહિનાના તળીયે આવી ગયો છે.
એઆઈની ક્રાંતિએ વિશ્વભરમાં ઘણી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓનો મૃત્યુઘંટ વાગી જવાનો ફફડાટ વ્યાપી ગયો છે. જેના પરિણામે ઘણી આઈટી કંપનીઓએ આઈટી પ્રોફેશનલોની નવી ભરતી કરવાનું સદ્દંતર બંધ કરવાની સાથે હજારોની સંખ્યામાં કર્મચારીઓ-આઈટી ટેકનોક્રેટની છટણી કરવા માંડી હોઈ બેરોજગારીની સમસ્યા વકરવા લાગી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે અનેક સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓની કમાણીમાં આગામી દિવસોમાં ધરખમ ઘટાડો થવાની ચિંતાએ પણ વૈશ્ર્વિક ફંડોની સાથે મોટા ઈન્વેસ્ટરો આઈટી-સોફ્ટવેર કંપનીઓના શેરોને પોતાના આ રોકાણ પોર્ટફોલિયોમાંથી ખાલી કરવા માંડયા હોઈ શેરોના ભાવો અવિરત તૂટી રહ્યા છે.