Thu Sep 03 2026

Logo

અમદાવાદ - વડોદરાની 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી, મોદી-શાહ પર નિશાન

2026-02-16 09:53:00
Author: Mayur Patel
અમદાવાદ - વડોદરાની 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી, મોદી-શાહ પર નિશાન

 

અમદાવાદ/વડોદરાઃ રાજ્યમાં ફરી એક વખત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરાની જાણીતી ડી.આર. અમીન, ઉર્મિ અને નાલંદા સ્કૂલને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.  જ્યારે અમદાવાદની 4 સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. અમદાવાદ શહેરની મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ અને સેટેલાઇટમાં આવેલી A વન સ્કૂલને ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. 

સ્કૂલોમાં તપાસ શરૂ

ઈ મેલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે. સ્કૂલે ધમકી મળતા તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમોએ સ્કૂલ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ જે સ્કૂલે ધમકી મળી તે સ્કૂલ ખાલી કરવામાં આવી રહી છે. વડોદરામાં આ ઈ મેલ મળતા જ શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાવચેતીના ભાગરૂપે ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી.

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાંપોલીસ અને તંત્ર દોડતું થઈ ગયું હતું.  પોલીસ દ્વારા તમામ શાળાઓમાં બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ આદરી દેવામાં આવી હતી.  આ શાળાઓ સિવાય શહેરની અન્ય કોઈ શાળાને ધમકી મળી છે કે નહીં તે જાણવા માટે શાળાઓ દ્વારા ઇ-મેલ તપાસવામાં આવી રહ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

થોડા દિવસ પહેલા અમદાવાદની સાત સ્કૂલોને મળી હતી આવી ધમકી

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરની એક નહિ પણ સાત જેટલી શાળાઓને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદની DPS બોપલ, કેલોરેક્ષ ઘાટલોડિયા, સ્વયંમ સ્કૂલ સહિત 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાંની ઇમેઈલથી ધમકી મળી હતી. ઇ મેલમાં પીએમ મોદી અને અમિત શાહને ખાલિસ્તાન વિરોધી ગણાવીને બાળકોને બચાવી લેવા સલાહ આપવામાં આવી હતી. સાથે જ ધમકી આપવામાં હતી કે જો 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તો શાળાને ઉડાવી દેશું.