અમદાવાદઃ શહેરમાં અઠવાડિયામાં બીજી વખત કારમાંથી લાશ મળતાં ચકચાર મચી ગઈ છે. સોલા પોલીસને માહિતી મળી હતી કે, એક કાર રસ્તા પર ઉભી છે અને તેમાં ચાલક બેભાન અવસ્થામાં છે. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે કારની અંદર એક વ્યક્તિ ડ્રાઈવર સીટ પર સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં નિશ્ચેત પડ્યા છે.
મૃતક શેલા ગામનો રહેવાસી
તપાસ દરમિયાન મૃતકની ઓળખ 45 વર્ષીય હર્ષદ પ્રજાપતિ તરીકે થઈ હતી, જેઓ મૂળ શેલા ગામના રહેવાસી હતા.ઘટનાસ્થળે બોલાવવામાં આવેલી 108ની ઇમરજન્સી ટીમે તપાસ બાદ હર્ષદભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન મળી આવ્યા ન હતા.
હાર્ટ એટેકથી મોતનું અનુમાન
પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું જણાય છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત મૃતક શેરબજારનું કામ કરતાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.
એક સપ્તાહ પહેલા અમદાવાદના સરખેજ વિસ્તારમાં એલ. જે. કોલેજની પાછળની ભાગે આવેલા ગેરેજમાંથી લાંબા સમયથી પાર્ક કારમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. લક્ઝરી કાર છેલ્લા આઠ મહિનાથી બંધ હાલતમાં પડી હતી. જ્યારે આ કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિકો લોકોએ તપાસ કરતા કારની અંદર એક મૃતદેહ જોવા મળ્યો હતો. જે બાદ આ ઘટનાની જાણ સરખેજ પોલીસને કરવામાં આવી હતી.