અમદાવાદ: હોળીના તહેવાર દરમિયાન વતન જનારા મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ 308 વધુ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. ફ્રેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી શરૂ થઈ માર્ચ મહિના સુધી આ ટ્રેનો દ્વારા મુસાફોર તહેવાર મણવા ઘરે પહોંચી શક્યા હતા. રેલવે પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં જનારા શ્રમિકો અને મુસાફરોને કોઈ પણ મુશ્કેલી વિના સુરક્ષિત રીતે તેમના મુકામ સુધી પહોંચાડવાનો છે. આ સુનિયોજિત રણનીતિને કારણે લાખો લોકોએ ટ્રેનમાં આરામદાયક મુસાફરીનો લાભ લીધો છે.
મીડિયાના અહેવાલ મુજબ 21 ફેબ્રુઆરીથી બીજી માર્ચ દરમિયાન પશ્ચિમ રેલવેએ બનારસ, ગોરખપુર, દાનાપુર અને હરિદ્વાર જેવા મહત્વના શહેરો માટે 266 જેટલી ખાસ ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. એકલા અમદાવાદ ડિવિઝનમાં અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પરથી માત્ર ત્રણ દિવસમાં જ 3 લાખથી વધુ મુસાફરોએ પ્રયાણ કર્યું હતું, જેમાં સૌથી વધુ ભારણ અમદાવાદ સ્ટેશન પર રહ્યું હતું, જ્યાંથી અંદાજે 1.55 લાખ લોકોએ મુસાફરી કરી, જ્યારે સાબરમતીથી 70 હજાર અને અસારવા-ગાંધીધામથી 30-30 હજાર મુસાફરો નોંધાયા હતા.
સ્ટેશનો પર માનવ મહેરામણને નિયંત્રિત કરવા માટે રેલવેએ ટેકનોલોજી અને માનવબળનો સુમેળ સાધ્યો છે. મુસાફરોને પ્લેટફોર્મની માહિતી માટે ભટકવું ન પડે તે માટે સતત એનાઉન્સમેન્ટ અને ડિસ્પ્લે બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત, ટિકિટ બારીઓ પર લાંબી લાઈનો ઘટાડવા માટે ATVM મશીનો, ‘રેલવન’ એપ અને મોબાઈલ UTS સુવિધાનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો.
મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, મુખ્ય સ્ટેશનો પર 'હોલ્ડિંગ એરિયા' બનાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં પીવાનું પાણી, બેસવાની સગવડ અને પૂરતી હવા-ઉજાસની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ટ્રેનની રાહ જોતી વખતે મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે.
સ્ટેશનોના સંવેદનશીલ પોઈન્ટ્સ, ફૂટઓવર બ્રિજ અને એન્ટ્રી પોઈન્ટ્સ પર RPF અને ટિકિટ ચેકિંગ સ્ટાફની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. આ તમામ ગતિવિધિઓ પર સીસીટીવી કેમેરા દ્વારા રિયલ ટાઈમ નજર રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ અણધારી ઘટનાને તુરંત ટાળી શકાય. હોળી પર્વના આ સમગ્ર ઓપરેશન દરમિયાન ટ્રેનોનું સમયપાલન (Punctuality) જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. મીડિયામાં ટ્રેનોની માહિતી સતત અપડેટ કરવામાં આવતી હતી, જેથી લોકો અફવાઓથી દૂર રહે.