Thu Jun 18 2026

Logo

સ્થાપના દિન વિશેષ: જાણો અમદાવાદના રક્ષક સમાન 12 ઐતિહાસિક દરવાજાઓની રોચક ગાથા

2026-02-26 10:38:00
Author: Tejas Rajpara
Article Image

 

અમદાવાદ: આપણા ગુજરાતનું ગૌરવ અને આર્થિક પાટનગર એટલે અમદાવાદ. આજે અમદાવાદનો 615મો સ્થાપના દિવસ છે. ઈ.સ. 1411માં સુલતાન અહમદ શાહે સાબરમતીના કિનારે આ શહેરનો પાયો નાખ્યો હતો. સ્થાપના દિવસથી શરૂ થયેલી આ વિકાસની ગાથામાં અનેક બદલાવ આવ્યા, સમયની સાથે વિકાસે પાંખો ફેલાવી અને આજે અમદાવાદનો ડંકો વિશ્વમાં વાગી રહ્યો છે. 

વિશ્વના હેરિટેજ સિટીમાં જેનો ઉલ્લેખ થાય છે એ અમદાવાદ વિકાસની દોડમાં સંસ્કૃતિ અને પરંપરાને સાચવવામાં ક્યાંય પાછળ નથી. અમદાવાદની ભવ્યતા તો ત્યારે અનુભવ થાય, જ્યારે અહીંના ભવ્ય સ્થાપત્યોને રૂબરુ જોઈએ. કાલુપુરનું સ્વામિનારય મંદિર હોય કે પછી અમદાવાદની 500 વર્ષ જૂની પોળ હોય, ચાની ઠાઠ અને ફાફડા જલેબીના શોખીન એવા અમદાવાદમાં દિવસોના દિવસો વિતાવો પણ જોવા અને જાણવાની વાત ખૂટે નહીં.

એક સમયમાં જે અમદાવાદ 12 દરવાજાના સુરક્ષાઘેરામાં બંધ હતું, તેની સીમાઓ અનંત બની છે. વેપાર, ખેલ જગત, રાજનીતિ, મોનોરંજન, ખાણી પીણી કોઈ પણ જગ્યાએ આ અમદાવાદ પાછળ રહ્યું નથી. ત્યારે અમદાવાદને 'વર્લ્ડ હેરિટેજ સિટી' બનાવવામાં અહીંના ભવ્ય સ્થાપત્યોનો મોટો ફાળો છે, જેમાં શહેરની ફરતે આવેલા 12 મુખ્ય દરવાજાઓ આજે પણ અડીખમ ઊભા રહીને ઈતિહાસની સાક્ષી પૂરે છે.

અમદાવાદના ઐતિહાસિક 12 દરવાજા

1. ભદ્રનો કિલ્લો અને ત્રણ દરવાજા:
આ શહેરનું મુખ્ય કેન્દ્ર છે. ત્રણ દરવાજા એ ભદ્રના કિલ્લાનું શાહી પ્રવેશદ્વાર છે, જ્યાંથી સુલતાન સરઘસમાં નીકળતા હતા. અહીં નગરદેવી લક્ષ્મીજીની અખંડ જ્યોત આજે પણ પ્રજ્વલિત છે.

2. ખાનપુર દરવાજા:
ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલા આ દરવાજો શાહી બગીચાઓમાં પ્રવેશવા માટે બનાવવામાં આવ્યો હતો. તેની કોતરણી તે સમયની સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે.

3. રાયખડ દરવાજો:
આ દરવાજો સાબરમતી નદીના કિનારે જવા માટેનો મુખ્ય માર્ગ હતો. અહીંથી નદીનો નજારો અને ઠંડો પવન શહેરના કોટ વિસ્તારમાં પ્રવેશતો હતો.

4. ખાન જહાન દરવાજો:
નદી કિનારે આવેલો આ નાનો દરવાજો સુરક્ષાની દૃષ્ટિએ મહત્વનો હતો. બ્રિટિશરોએ આ માર્ગેથી જ શહેરમાં પ્રવેશ મેળવવા માટે દીવાલમાં ગાબડું પાડ્યું હતું.

5. જમાલપુર દરવાજો:
દક્ષિણ દિશામાં વડોદરા અને ખંભાત તરફ જવા માટેનો આ મુખ્ય દરવાજો હતો. આજે પણ આ વિસ્તાર વેપાર અને ટ્રાફિકથી ધમધમતો રહે છે.

6. આસ્ટોડિયા દરવાજો:
આ દરવાજો મજીઠ (રંગકામ માટેનો પદાર્થ) ના વેપાર માટે જાણીતો હતો. તે સમયે રંગરેજો આ દરવાજાનો ઉપયોગ માલસામાન લાવવા-લઈ જવા માટે કરતા હતા.
 

7. રાયપુર દરવાજો:
શહેરના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલો આ દરવાજો મજબૂત બાંધણી ધરાવે છે. રાયપુરની ઓળખ આજે તેના ખાણી-પીણીના બજાર તરીકે પણ છે.

8. સારંગપુર દરવાજો:
વેપારીઓની અવરજવર માટે આ દરવાજો પ્રખ્યાત હતો. અહીંની નજીકમાં આવેલા ઝૂલતા મિનારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

9. કાલુપુર દરવાજો:
રેલવે સ્ટેશનની નજીક આવેલો આ દરવાજો સૌથી વધુ વ્યસ્ત રહે છે. અહીંથી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ આખા શહેરમાં સપ્લાય થતી હતી.

10. દરિયાપુર દરવાજો:
ઉત્તર દિશામાં આવેલો આ દરવાજો સૈન્યની ટુકડીઓ અને અશ્વદળની અવરજવર માટે સુરક્ષિત માનવામાં આવતો હતો.

11. દિલ્હી દરવાજો:
શાહપુર અને દરિયાપુરની વચ્ચે આવેલો આ દરવાજો દિલ્હી તરફ જતા જૂના હાઈવે સાથે જોડાયેલો હોવાથી તેને 'દિલ્હી દરવાજો' નામ મળ્યું છે.

12. શાહપુર દરવાજો:
કોટ વિસ્તારનો છેલ્લો મુખ્ય દરવાજો જે ઉત્તર-પશ્ચિમમાં આવેલો છે. તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ જૂના અમદાવાદની ઝલક જોવા મળે છે.