Mon Sep 07 2026

Logo

ત્રણ દાયકા અગાઉના ઘેરલું હિંસાના કેસમાં પતિ અને બે નણંદને ત્રણ વર્ષની જેલ

2026-02-27 18:16:35
Author: Pooja Shah
ત્રણ દાયકા અગાઉના ઘેરલું હિંસાના કેસમાં પતિ અને બે નણંદને ત્રણ વર્ષની જેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
ઘરેલું હિંસાના 30 વર્ષ જૂના કેસમાં અમદાવાદ કોર્ટે પતિ અને બે નણંદને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ ચુકાદા સમયે કોર્ટે કરેલા અવલોકનો મહત્વના છે. 
૧૯૯૬માં પત્નીએ પતિ અને સાસરિયાં સામે હેરાનગતિ અને ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. મહિલાનાં લગ્ન 1993માં થયાં હતાં અને 1996માં જ તેણે છૂટાછેડા પણ લીધા હતા. આ સમયે તેમને 2 વર્ષનો પુત્ર પણ હતો. જોકે ફરિયાદી મહિલાનું 2025માં મૃત્યુ થઈ ગયું હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.

સજા ફટકારતી વખતે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસએ જણાવ્યું હતું કે આ કેસમાં સજા બે પેઢીઓને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી થવી જોઈએ. મહિલાએ સહકારી બેંકની નોકરીથી મળતા પગારને કારણે વારંવાર થતી હેરાનગતિથી કંટાળી પતિનું ઘર છોડી દીધું હતું. તેણે પતિ અને સાસરિયાઓ વિરુ્દ્ધ કલમ 498(એ), 323 અને આઈપીસીની કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. 

મહિલાની ફરિયાદનાં ત્રણ દાયકા અને ટ્રાયલના 29 વર્ષ પછી, કોર્ટે તેની જુબાની વિશે કહ્યું હતું કે ફરિયાદ અને ફરિયાદીની જુબાનીને ધ્યાનમાં લેતા, આ કોર્ટ માને છે કે ફરિયાદીનાં પુરાવા સંપૂર્ણપણે વિશ્વસનીય છે અને તેને અન્ય સાક્ષીઓના કોઈ સમર્થનની જરૂર નથી.

અહેવાલ અનુસાર સજા અંગે કોર્ટે કહ્યું હતું કે પીડિતાએ પોતાનું આખું જીવન આ કાનૂની લડાઈ લડવામાં વિતાવ્યું. તે તેનાં ગુનેગારને સજા થતી જોયા વિના, ન્યાય મળ્યાના સંતોષ વિના જ મૃત્યુ પામી. જો હળવી સજા આપવામાં આવે છે, તો તે તેની સ્મૃતિ સાથે હજુ એક વધારાનો વિશ્વાસઘાત થશે. કોર્ટે એમ પણ કહ્યું કે ગુનાની ગંભીરતાને સમજવા માટે, કોર્ટે 1996 માં પાછા જોવું પડશે. પીડિતા માત્ર એક મહિલા નહોતી, તે 2 વર્ષના બાળકની માતા પણ હતી. 

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા જ્યારે શારીરિક અને ભાવનાત્મક રીતે સંવેદનશીલ હતી ત્યારે આરોપીઓએ તેની સામે આઈપીસી કલમ 323 અને 498(A) હેઠળ ગુનાઓ કર્યા હતા, જ્યારે તે તેના નાના બાળકનો ઉછેર કરી રહી હતી, ત્યારે તેને જાણીજોઈને અપમાનિત અને હેરાન કરવામાં આવી હતી. તેનું બાળક જે તે સમયે બે વર્ષનું હતું, તે હાલમાં પુખ્ત વયનો થઈ ગયો છે.

તેણે પોતાની માતાને ત્રણ દાયકા સુધી ન્યાય માટે સંઘર્ષ કરતા જોઈ. આથી સજા 2 પેઢીઓને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી આપવી જોઈએ. જો કોર્ટ માત્ર નજીવી સજા અથવા પ્રોબેશન આપે, તો એમ સાબિત થશે કે આરોપી ફરિયાદીને થકાવીને કે કેસને લાંબો ખેંચીને પણ જીતી શકે છે. આ પ્રકારનું ઉદાહરણ જોખમી સાબિત થઈ શકે છે, તેમ કોર્ટે નોંધ્યું હતું.