ગાંધીનગર : અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત 'અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે' ઉપરથી સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત નવનિર્મિત 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે' ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે રૂ. 336
આ નવીન વ્યવસ્થા હેઠળ, અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે 5.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી દર કલાકે સંચાલિત થતી કુલ 24 ટ્રીપો, ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ ટ્રીપો પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે. આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે રૂ. 336 થશે, જેમાં મુસાફરોને અંદાજે રૂ. 15 જેટલો ભાડા ઘટાડાનો લાભ મળશે.
અમદાવાદથી સુરત વચ્ચે નોનસ્ટોપ વોલ્વો સર્વિસ શરૂ
આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા નવનિર્મિત 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે' ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સવારે 6.45 કલાકે નહેરુનગર (અમદાવાદ) થી સુરત અને બપોરે 1.00 કલાકે સુરતથી નહેરુનગર (અમદાવાદ) વચ્ચે 'નોનસ્ટોપ વોલ્વો સર્વિસ' શરૂ કરવામાં આવી છે. આ નવિન રૂટના કારણે નહેરુનગરથી સુરતનું ભાડું રૂ. 687 નિયત કરાયું છે, જેનાથી મુસાફરોને અંદાજે રૂ. 61 જેટલો ફાયદો મળશે.
પ્રીમીયમ સર્વિસોનો મહત્તમ લાભ લેવા વિનંતી
આ તમામ રૂટોનું ઓનલાઇન એડવાન્સ બુકિંગ નિગમની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in તેમજ GSRTC મોબાઇલ એપ્લિકેશન (gsrtcapp)ઉપરથી કરી શકાશે. એસ.ટી. નિગમ દ્વારા તમામ મુસાફર જનતાને આ આધુનિક અને સુવિધાજનક પ્રીમીયમ સર્વિસોનો મહત્તમ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.