Sun Sep 06 2026

Logo

મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને લઈ અમદાવાદ એરપોર્ટ મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

2026-02-28 18:44:00
Author: Mayur Patel
મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને લઈ અમદાવાદ એરપોર્ટ મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

અમદાવાદઃ મિડલ-ઈસ્ટ તણાવના પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે એડવાઈઝરી બહાર પાડી છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પ્રવર્તમાન નિયંત્રણોને કારણે અમદાવાદથી આવતી-જતી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં વિલંબ, રૂટમાં ફેરફાર અથવા રદ થવાની શક્યતા છે.

મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા પોતપોતાની એરલાઇન્સ પાસેથી ફ્લાઈટનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરવાની સલાહ છે. મુસાફરોને અસુવિધા ટાળવા માટે તે મુજબ મુસાફરીનું આયોજન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, આ પગલાંનો ઉદ્દેશ્ય વિક્ષેપના સમયગાળા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને મુસાફરીની કામગીરી સુગમ રાખવાનો છે.

મિડલ ઈસ્ટની સ્થિતિને લઈ એર ઈન્ડિયાએ તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. સાવચેતીના કારણોસર આ પગલું લેવામાં આવ્યું છે. એર ઈન્ડિયાએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, મિડલ ઈસ્ટ જતી તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે. અમે અમારા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ફ્લાઈટ ઓપરેશન્સ માટે સુરક્ષા સ્થિતિનું સતત મોનિટરિંગ કરીશું અને જરૂર  મુજબ બદલાવ કરીશું. અમારી ટીમો મુસાફરોને શક્ય તમામ સહાયતા આપશે.

ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે, ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં બદલાતા એરસ્પેસ નિયંત્રણોને કારણે મિડલ ઈસ્ટ જતી અને ત્યાંથી આવતી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઇને જણાવ્યું હતું કે, મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત ગ્રાહકોને વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ મેળવવાના વિકલ્પો આપવામાં આવ્યા છે.