Fri May 01 2026

Logo

અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટો ધડાકો: પહેલાથી જ પ્લેનમાં ખામી હોવાનો US એજન્સીનો દાવો

2026-03-15 09:19:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: જૂન 2025માં અમદાવાદમાં એરપોર્ટ પરથી લંડન માટે રવાના થયેલું એર ઈન્ડિયાનું પ્લેન ઉડાન ભરતાની સાથે જ મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત અનેક 260 જેટલા લોકોના મોત થયા હતા.  ત્યારે હવે આ ભયાનક વિમાન દુર્ઘટના અંગે અમેરિકાના એક હવાઈ સુરક્ષા સંગઠને ચોંકાવનારો દાવો કર્યો છે, જેના કારણે અકસ્માતની તપાસ પર ગંભીર સવાલો ઊભા થયા છે. 

એવિએશન સેફ્ટી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એડિ પિયરસને તપાસ અધિકારીઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું છે કે, આ અકસ્માત સાથે જોડાયેલા ઘણા મહત્ત્વના દસ્તાવેજો તપાસકર્તાઓને સોંપવામાં જ આવ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પિયરસને દાવો કર્યો છે કે તેમના હાથમાં કેટલાક ગુપ્ત દસ્તાવેજો આવ્યા છે, જે દર્શાવે છે કે બોઈંગ 787 ડ્રીમલાઈનરના ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં અકસ્માત પહેલાથી જ ખામીઓ હતી. આ વિમાનમાં લાંબા સમયથી શોર્ટ સર્કિટ, ધુમાડો નીકળવો અને વાયરિંગની સમસ્યાઓ સતત આવતી હતી. આ દસ્તાવેજોના આધારે સંગઠનનું માનવું છે કે વિમાન દુર્ઘટના પાછળ ઇલેક્ટ્રિકલ ફેલ્યોર મુખ્ય કારણ હોઈ શકે છે.

તપાસમાં મળેલી વિગતો મુજબ, અકસ્માતનો શિકાર બનેલું આ વિમાન ભૂતકાળમાં પણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટને કારણે ઘણી વખત લેન્ડ કરવામાં આવ્યું હતું અને તેનું P100 પાવર પેનલ પણ અનેકવાર બદલવામાં આવ્યું હતું. પિયરસને ભારપૂર્વક જણાવ્યું હતું કે વિમાનને ડિઝાઇન મોડિફિકેશન અને સોફ્ટવેર પ્રોટેક્શનની તાતી જરૂર હતી, છતાં તેની અવગણના કરવામાં આવી હોવાનું જણાય છે.