Wed Jul 08 2026

Logo

ભારતની અત્યંત શરમજનક હાર પછી ક્રિકેટ ચાહકોમાં ચર્ચા, સૂર્યાને કેપ્ટનપદેથી હટાવીને કરી ભૂલ ?

2026-07-08 12:34:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો આયરલેન્ડ જેવી નબળી ટીમ સામે 2-0થી વ્હાઈટ વોશ થયો હતો. જે બાદ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટી-20 સીરિઝમાં પણ બે મેચ હારતાં હવે સીરિઝ ડ્રો કરવા બાકીની બંને ટી-20 મેચ ફરજીયાત જીતવી પડશે. ગઈકાલે રાત્રે ભારત ઈંગ્લેન્ડ સામે 202 રનના ટાર્ગેટ સામે માત્ર 76 રનમાં ખખડી ગયું હતું. ટીમ ઈન્ડિયાની 125 રનથી ભૂંડા હાર થતાં ક્રિકેટ ચાહકોમાં સૂર્યાને કેપ્ટનપદેથી હટાવીને ભૂલ કરવામાં આવી હોવાની ચર્ચા શરૂ થઈ છે.

ક્રિકેટ ચાહકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ, સૂર્યકુમાર યાદવ ભલે ફોર્મમાં નહોતો પરંતુ તેણે ટીમ ઈન્ડિયાને ટી-20 ચેમ્પિયન બનાવી હતી. તેણે એક ચેમ્પિયન ટીમ બનાવી હતી. સૂર્યાને કેપ્ટનપદેથી હટાવીને સિલકટરોએ કરેલી મોટી ભૂલની અસર હાલ જોવા મળી રહી છે. 

ભારતને ટી20 વર્લ્ડ કપ 2026માં જીત અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવને ડ્રોપ થયાને મહિનો થવા આવ્યો છે. ડ્રોપ થવાના મુદ્દાને સૂર્યકુમાર યાદવની એક પોસ્ટથી વેગ મળ્યો હતો. જેમાં તેણે ટીમની મજાક ઉડાવી હતી. જેના પર વિવાદ થતાં તેણે સ્પષ્ટતા કરી હતી.

સૂર્યકુમાર યાદવે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર તેમના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જે તદ્દન ખોટું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો તેને માન્યતા આપી છે. તેમણે ચાહકોને અપીલ કરતા કહ્યું કે, પુષ્ટિ કર્યા વગરની કોઈપણ માહિતી પર ભરોસો ન કરવો અને તેને શેર પણ ન કરવી. સૂર્યકુમારે કહ્યું કે, ભારતીય ક્રિકેટ, તેમના સાથી ખેલાડીઓ અને રમત પ્રત્યેનું તેમનું સમર્થન આવા કોઈપણ નકલી નિવેદન કરતાં ઘણું વધારે મહત્વનું છે. સૂર્યકુમાર યાદવે ઉમેર્યું કે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આવી અવિશ્વસનીય માહિતી બચવું જોઈએ. તેમણે લોકોને માત્ર તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયેલી માહિતી પર જ વિશ્વાસ કરવાની અપીલ કરી છે.

સૂર્યકુમાર યાદવની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

સૂર્યાએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 1 ટેસ્ટ, 37 વનડે અને 113 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. એકમાત્ર ટેસ્ટમાં તેમણે 8 રન બનાવ્યા હતા. વનડેની 35 ઇનિંગ્સમાં તેમના બેટમાંથી 773 રન નીકળ્યા છે. જ્યારે ટી-20 ઇન્ટરનેશનલની 107 ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેમણે 3272 રન સ્કોર કર્યા છે.

શ્રેયસના નામે જોડાયો શરમજનક રેકોર્ડ

ભારતને સતત મળી રહેલી હારના કારણે શ્રેયસના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો હતો. શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ અત્યાર સુધીમાં 5 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે અને એક પણ મેચ જીતી શકી નથી. આ પહેલાં કોઈપણ ભારતીય ટી-20 કેપ્ટન પોતાની શરૂઆતની 5 મેચો હાર્યો નથી.