Wed Jul 08 2026

Logo

અમદાવાદ એરપોર્ટ પર અબુધાબીથી આવેલી મહિલાના પર્સ અને ગાર્મેન્ટમાંથી 729 ગ્રામ સોનું મળ્યું

2026-07-08 12:44:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મંગળવારે મોડી સાંજે ઈન્ડિગોની ફ્લાઈટમાં અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલાનાં પર્સમાંથી તેમજ તેણે પહેરેલા ગારમેન્ટની અંદર છુપાવેલા 729 ગ્રામના સોનાના દાગીના મળી આવ્યા હતા,  જેની માર્કેટ વેલ્યુ રૂ. 98.78 લાખ થતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હૈદરાબાદની રહેવાસી આ મહિલા પેસેન્જર કેરિયર તરીકે કામ કરે છે અને પ્રથમવાર અમદાવાદ એરપોર્ટ ઉપર આવી હતી.

એરપોર્ટ કસ્ટમના સૂત્રોએ જણાવ્યું હતું કે અબુધાબીથી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર  6L-1432 માં મહિલા પેસેન્જર એરપોર્ટ પર આવી હતી. કસ્ટમ વિભાગને શંકા જતા તેની પૂછપરછ કરી હતી, પરંતુ કસ્ટમ વિભાગ પાસે તેની ટ્રાવેલ હિસ્ટ્રી હતી અને અગાઉ દુબઈ અને અબુધાબીથી હૈદરાબાદ એરપોર્ટ પરથી અવરજવર કરતી હતી અને પ્રથમવાર અમદાવાદ આવતા શંકા ગઈ હતી, પરંતુ કસ્ટમ સમક્ષ તેણે કોઈ કબુલાત કરી ન હતી.

ત્યારબાદ ગ્રીન ચેનલમાંથી તેને પસાર કરવામાં આવી હતી અને છેલ્લે રેડ ચેનલમાંથી ક્રોસ થઈ રહી હતી ત્યારે તેની પાસેના લેડીઝ પર્સની અંદરથી બંગડીઓ, સોનાની ચેન, બુટ્ટી, નેકલેસ મળીને 729 ગ્રામના દાગીના મળી આવ્યા હતા કેટલાક દાગીના તેણે પહેરેલા ગારમેન્ટની અંદર પહેરેલા હતા અને પર્સમાં પ્લાસ્ટિકમાં કન્સિડ કરીને છુપાવ્યા હતા. કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ હાલ તેની પૂછપરછ કરી રહ્યા છે અને મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવે તેવું કસ્ટમના સૂત્રોએ જણાવ્યું હતું.  અગાઉ પણ હૈદરાબાદની રહેવાસી આ મહિલા પેસેન્જરે અઢીથી ત્રણ કરોડનો સોનાના દાગીનાની દાણચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કસ્ટમના નિયમ મુજબ એક કરોડ અથવા એક કરોડથી ઉપરના સોનાના દાગીના કે ગોલ્ડ બિસ્કીટ પકડાય તો તેની ધરપકડ કરવામાં આવે છે, જ્યારે આ કિસ્સામાં મહિલા પેસેન્જર પાસેથી રૂ. 98.78 લાખના દાગીના મળી આવ્યા છે, પરંતુ આ મહિલા પહેલા પણ દુબઈ અને અબુધાબીની ટ્રીપ કરીને કરોડો રૂપિયાના સોનાના દાગીનાની હેરાફેરી કરી ચૂકી હોવાથી તેની ધરપકડ કરવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.