વર્ષાઋતુની મોજ માણવા જતાં ચારેય વિરુદ્ધ પોલીસની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભર વરસાદમાં બાન્દ્રા-વરલી સી-લિંક પર કાર ઊભી રાખી ડાન્સ કરવાનું ગુજરાતના ચાર યુવકને ભારે પડી ગયું હતું. સી-લિંક પર વાહન ઊભું રાખવાની મનાઈ હોવા છતાં આવું ગતકડું કરનારા યુવકો વિરુદ્ધ વરલી પોલીસે ગુનો નોંધ્યો હતો.
વરલી ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલની ફરિયાદને આધારે વરલી પોલીસે અજ્ઞાન અબ્દુલભાઈ કાદરી (24), સાજિદ રફીકભાઈ સમા (27), વસીમ રફીકભાઈ સમા (27) અને નાદીરઅલી મોહમ્મદ નોએદા (24) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નાદીર અલી ગુજરાતના જૂનાગઢનો, જ્યારે બાકીના ત્રણ રાજકોટના વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ શનિવારની બપોરે બે વાગ્યાની આસપાસ પેટ્રોલિંગ પર હાજર ટ્રાફિક કોન્સ્ટેબલ સ્વપ્નિલ વાઘમારેને માહિતી મળી હતી કે સી-લિંક પર બ્લૅક સ્કોર્પિયો ઊભી રહી હતી અને તેમાંથી ઊતરેલા ચાર યુવક વરસાદમાં ડાન્સ કરતા હતા. આ કાર વરલી તરફ જઈ રહી હોવાનું જાણવા મળતાં સી-લિંકના વરલીના છેડે તેને આંતરવામાં આવી હતી. એ સિવાય બાન્દ્રા તરફના ટોલપ્લાઝા ખાતે સીસીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં.
કાર રાજકોટના રસુલપારા ખાતે રહેતો અજ્ઞાન કાદરી ચલાવતો હતો. યુવકોએ કબૂલ્યું હતું કે વરસાદની મોજ માણવા તેમણે કાર સી-લિંક પર ઊભી રાખી હતી અને પછી ડાન્સ કર્યો હતો. તાબામાં લેવાયેલા ચારેયને વરલી પોલીસને સોંપાયા હતા. પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી.