Fri Sep 04 2026

Logo

પ્રેમપ્રકરણનો અંજામ: લોકભવનમાં એસઆરપીએફના જવાનનો આપઘાત

2026-07-08 13:11:00
Author: Yogesh C. Patel
પ્રેમપ્રકરણનો અંજામ: લોકભવનમાં એસઆરપીએફના જવાનનો આપઘાત

પોતાના લમણે ગોળી મારી લીધી: સુસાઈડ નોટમાં પ્રેમિકાનાં લગ્ન નક્કી થતાં હતાશ હોવાનો ઉલ્લેખ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રેમમાં નાસીપાસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ના જવાને હાઈ સિક્યોરિટીવાળા લોકભવન પરિસરમાં પોતાને લમણે ગોળી મારી કથિત આત્મહત્યા કરી હતી. જવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલને પ્રેમ કરતો હતો, પરંતુ તાજેતરમાં તેનાં લગ્ન નક્કી થઈ જતાં જવાન હતાશ થઈ ગયો હોવાનો ઉલ્લેખ સુસાઈડ નોટમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ કૌસ્તુભ સાંગળે (26) તરીકે થઈ હતી. એસઆરપીએફ ગ્રૂપ-16ના જવાન સાંગળેની ડ્યૂટી લોકભવનમાં ગાર્ડ તરીકે હતી. સોમવારની સાંજે તેણે રાઈફલમાંથી પોતાને જ ગોળી મારી લીધી હતી.

બનાવની જાણ થતાં મલબાર હિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બેભાન સાંગળેને લોહીલુહાણ હાલતમાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટનાસ્થળેથી પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી, જેને આધારે જાણવા મળ્યું હતું કે કોલ્હાપુરના વતની સાંગળેની મિત્રતા ચારેક વર્ષ અગાઉ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે થઈ હતી. મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં ફરજ બજાવતી આ કોન્સ્ટેબલને સાંગળે પ્રેમ કરવા લાગ્યો હતો. જોકે ચારેક મહિના સાંગળેનો પ્રેમભંગ થયો હતો.

સુસાઈડ નોટમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર મહિલા કોન્સ્ટેબલે મિત્રતા રાખવા સમર્થતા દેખાડી હતી, પરંતુ લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. પરિણામે કોન્સ્ટેબલને પામવા જવાન તેની પાછળ પડી ગયો હતો.

કહેવાય છે કે મહિલા કોન્સ્ટેબલ સાંગળેના વર્તનથી કંટાળી હતી. તેણે સ્થાનિક પોલીસમાં સાંગળે વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી. ટૉર્ચર અને બ્લૅકમેઈલ સંબંધી ફરિયાદને પગલે સાંગળેની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

દોઢેક મહિના અગાઉ મહિલા કોન્સ્ટેબલનાં લગ્ન નક્કી થયાં હોવાની જાણ થતાં સાંગળે હતાશ થઈ ગયો હતો. હતાશામાં જ તેણે અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે સેવી હતી.