Wed Jul 08 2026

Logo

રાજકોટના જેતપુરમાં ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા, માતાના મૈત્રી કરારથી નારાજ હતો પુત્ર

2026-07-08 14:03:00
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટ: જેતપુર શહેરના કણકીયા પ્લોટ ખાતે 35 વર્ષીય કમલેશ વાઘેલા નામના વ્યક્તિની સરાજાહેર છરીના તીક્ષ્ણ ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. હત્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જાહેરમાં યુવકની હત્યાથી જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. 

મૃતક આરોપીની માતા સાથે મૈત્રી કરાર કરીને રહેતો હોવાથી પુત્રએ આવેશમાં આવીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર ઘટના ત્યાં પાસે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે આરોપી યુવકને ઝડપી લીધો છે.

આરોપીએ નિર્દયતાપૂર્વક કમલેશભાઈ પર 5થી 6 છરીના ઘા ઝીંકીને તેમની જાહેરમાં હત્યા કરી નાખી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ વાલ્મિકી સમાજના લોકો મોટી સંખ્યામાં જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા અને ભારે રોષની લાગણી જોવા મળી હતી.

શું હતી ઘટના?

પોલીસને આપેલી ફરિયાદમાં કપિલ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના મોટાભાઈ કમલેશ વાઘેલા જયંતની માતા નીતા સાથે છેલ્લા ઘણા વર્ષોથી મૈત્રી કરાર કરીને રહે છે. જે મૈત્રી કરાર જયંતના પિતા કાળુ વાઘેલાની હૈયાતીમાં કમલેશ દ્વારા કરવામાં આવ્યા હતા. જે બાબતનું મન દુઃખ રાખીને 7 જુલાઈ 2026ના રોજ જયંત દ્વારા કમલેશને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ દ્વારા મૃતકના ભાઈ કપિલ વાઘેલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જે અંતર્ગત તેણે જણાવ્યું હતું કે, કમલેશ વાઘેલા જેતપુર નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કામદાર તરીકે કામકાજ કરતો હતો. 12 વર્ષ પૂર્વે નીતા નૈયા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા નીતા નૈયા તેના પતિ કાળુ વાઘેલાની હયાતીમાં પોતાના પતિ કાળુ વાઘેલાને છોડીને કમલેશ વાઘેલા સાથે મૈત્રી કરાર કરીને રહેવા લાગી હતી. જે બાબતનું મન દુઃખ રાખી જયંતે કમલેશને મોતને ઘાટ ઉતાર્યો હતો.