Thu Aug 27 2026

Logo

ગાંધીધામમાં માત્ર અડધો ઇંચ વરસાદમાં જ પ્રી-મોન્સૂન કામગીરીની  પોલ ખૂલી: ૨૪ કલાક બાદ પણ માર્ગો જળબંબોળ

2026-07-08 14:45:51
Author: Mumbai Samachar Team
ગાંધીધામમાં માત્ર અડધો ઇંચ વરસાદમાં જ પ્રી-મોન્સૂન કામગીરીની  પોલ ખૂલી: ૨૪ કલાક બાદ પણ માર્ગો જળબંબોળ

ભુજ: જોડિયા શહેરો ગાંધીધામ અને આદિપુરમાં  સોમવારે રાત્રે પડેલા માત્ર ૧૮ મિલીમીટર (અડધો ઇંચ) વરસાદમાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઊડી ગયા છે. મેઘરાજાએ વિરામ લીધાના ૨૨ થી ૨૪ કલાક બાદ પણ અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં હજુ સુધી વરસાદી  પાણી ભરાયેલા રહેતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિએ મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને જીયુડીસી સહિતની એજન્સીઓની કામગીરીની પોલ ખોલી નાખી છે.

કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ પરિસ્થિતિ જસની તસ રહી છે. શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન રોડ, મહેશ્વરીનગર ચાર રસ્તાથી ભારતનગર ચાર રસ્તા, ગુરુકુલના આંતરિક માર્ગો તેમજ સાઉથ ઝોનના મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ભારતનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં તો ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષોથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ, વ્યાપક દબાણો અને આંતરિક માર્ગોનું મુખ્ય માર્ગો સાથે અયોગ્ય લેવલિંગ આ સમસ્યા માટે મુખ્યત્વે જવાબદાર છે. કેટલાક વિસ્તારોમાં ગટરની ચેમ્બરો તોડીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ મોટાભાગના વિસ્તારો હજુ પણ જળબંબોળ છે. આવી જ વરવી સ્થિતિ આદિપુરમાં પણ જોવા મળી રહી છે.

બીજી તરફ, પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં જ વહીવટી તંત્ર દોડતું થયું હતું. સવારે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પાણીના નિકાલ માટેની કામગીરી સક્રિય કરાવી હતી. રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા તાકીદે પાણીનો નિકાલ કરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.

(ઉત્સવ વૈદ્ય)