Wed Jul 08 2026

Logo

બે મહિનાથી પોસ્ટ ઓફિસની પાસબુક અને એફડી બુક ગાયબ, રોકાણકારો રઝળ્યાનો કૉંગ્રેસનો આક્ષેપ

2026-07-08 15:38:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ 9000 જેટલી પોસ્ટ ઓફિસ છે અને તેના રોકાણકારો હાલમાં પાસબુક અને એફડી બુકની અછતથી પરેશાન છે, તેવી માહિતી સાથે કૉંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા હતા. કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપો કર્યા હતા કે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા બે મહિનાથી પાસબુક, એફડી બુક અને અન્ય સ્ટેશનરી સંપૂર્ણપણે ખલાસ થઈ ગઈ છે. ગુજરાતમાં અંદાજે ૯,૦૦૦ જેટલી પોસ્ટ ઓફિસ આવેલી છે, જેમાંથી ૮,૦૦૦ જેટલી પોસ્ટ ઓફિસ છેવાડાના ગામડાઓમાં અને ૧,૦૦૦ જેટલી શહેરમાં છે. આ પોસ્ટ ઓફિસો મારફતે ગુજરાતમાં અંદાજે ૨ થી ૨.૫ કરોડ જેટલા વિવિધ બચત ખાતાઓનું સંચાલન થાય છે.

આટલા વિશાળ પાયે લોકોની પરસેવાની કમાણી જમા થતી હોય, ત્યારે ૨ મહિના સુધી પાસબુક જ ઉપલબ્ધ ન હોવી એ સરકારની ઘોર બેદરકારી અને કરોડો ખાતેદારોના નાણાં સાથે ચેડાં કરવા સમાન છે. રાવલે વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે હાલત એટલી હદે કથળી ગઈ છે કે પોસ્ટ ઓફિસની તમામ નાણાકીય સેવાઓ  માટે જરૂરી પાસબુક કે સર્ટિફિકેટનું પ્રિન્ટિંગ જ બંધ છે.

આ સેવાઓમાં સામાન્ય બચત ખાતા, રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, માસિક આવક યોજના,સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન બચત પત્ર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ સહિતની તમામ યોજનાઓનો સમાવેશ થાય છે.

જો કોઈ નાગરિક પોતાના હકના પૈસા જમા કરાવવા જાય અને તેની જૂની પાસબુક ભરાઈ ગઈ હોય, તો તેને નવી પાસબુક આપવામાં આવતી નથી. નવા ખાતા ખોલાવનાર કે નવી એફડી કરાવનારને પણ કોઈ જ બુક અપાતી નથી. રોકાણકારો પોતાના હજારો-લાખો રૂપિયા જમા કરાવે ત્યારે પુરાવા તરીકે માત્ર પૈસા ભર્યાની સ્લીપ પર એક રબર સ્ટેમ્પ (સિક્કો) મારીને પકડાવી દેવામાં આવે છે! કાગળની આ કાપલીઓ લોકો ક્યાં સુધી અને કેવી રીતે સાચવશે? જ્યારે સિસ્ટમમાં કે પાસબુકમાં પૈસા જમા થયાની કોઈ પ્રિન્ટેડ એન્ટ્રી કે સ્ટેટમેન્ટ જ ન મળતું હોય, ત્યારે ભવિષ્યમાં પોસ્ટ ઓફિસોમાં મોટાપાયે ગેરનીતિ અને કરોડો રૂપિયાના જંગી કૌભાંડ થવાની પૂરેપૂરી સંભાવના છે, તેમ તેમણે જણાવ્યું હતું. 

બીજી બાજુ જો કોઈ ખાતેદારની પાસબુક કે સર્ટિફિકેટ ખોવાઈ જાય, ફાટી જાય કે બગડી જાય તો ડુપ્લિકેટ પાસબુક મેળવવા માટે તેને ખૂબ જ લાંબી અને ત્રાસદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ખાતેદારે ₹૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરાવવું પડે છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવવી પડે છે. પરંતુ આટલી લાંબી કાયદાકીય માથાકૂટ અને ખર્ચ કર્યા પછી જ્યારે સામાન્ય માણસ નવી પાસબુક લેવા પોસ્ટ ઓફિસે પહોંચે છે, ત્યારે તેને એવો શરમજનક જવાબ મળે છે કે 'સ્ટેશનરી જ અવેલેબલ નથી!' એક તરફ તંત્ર સામાન્ય જનતાને નિયમોના નામે પીસે છે, અને બીજી તરફ પોતાની જ પ્રાથમિક ફરજ બજાવવામાં સાવ નિષ્ફળ નીવડ્યું છે. તેમણે સિનિયર સિટિઝન અને મધ્યમવર્ગના ખાતેદારોના નાણાની સુરક્ષા વિશે સવાલો કર્યા હતા.

તેમણે માગણી કરી હતી કે યુદ્ધના ધોરણે પાસબુકો અને એફડી બુકનો જથ્થો પૂરો પાડવામાં આવે, અન્યથા પ્રજાના નાણાં સાથે થતા કોઈપણ ચેડાં કે હાલાકી માટે સંપૂર્ણપણે સરકાર જ જવાબદાર ઠરશે. આ મામલે સરકારે કે પોસ્ટ ઓફિસે સ્પષ્ટતા કરી નથી.