સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જેના કારણે સુરત-નવસારી જળબંબાકાર થયા હતા. નવસારીમાં ગઈકાલે 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય તેમ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન નવસારીથી વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે.
નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટી 23 ફૂટના બદલે 27 ફૂટથી વહેતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કાશીવાડામાં 9 ફૂટ અને ભેંસતવાડામાં 7 ફૂટ પાણી ભરાયા હતા. પૂરની સ્થિતિને લઈ તંત્ર દ્વારા 2000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

શહેરમાં કાશીવાડી, મિથિલા નગરી, બેશતખાડા, કબીલપોર, છાપરા રોડ, તીઘરા રોડ, આદર્શનગર, ગધેવાન, બંદર રોડ, વિઠ્ઠલનગર, આદર્શનગર, રાજીવનગર, છાપરા રોડ, બાપુનગરમાં પૂરની વધારે અસર જોવા મળી હતી.
ગઈકાલે નવસારીમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં પૂર આવતાં સપાટી 27 ફૂટે પહોંચી ગઈ હતી. આના કારણે કાશીવાડી વિસ્તારમાં 9 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. જીવ બચાવવા માટે 300થી વધુ પરિવારોએ રાતોરાત પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો બધો ઝડપી હતો કે લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ અને ઘરવખરીનો સામાન પલળી ગયો છે, જેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

દરિયામાં ભરતી હોવાના કારણે હાલમાં પાણી ઓસરવાની ગતિ ધીમી છે, પરંતુ ભરતી ઉતરતા જ પાણી ઝડપથી ઉતરશે. નવસારીમાં ભારે વરસાદ વચ્ચે પાણી ભરાયેલા સર્વિસ રોડ પર એક બસ ફસાઈ ગઈ હતી. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
નવસારીમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે એક યુવક તેની બાઈકને ખભા પર ઉંચકીને લઈ જતો જોવા મળ્યો હતો. શાંતાદેવી રોડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં નવસારીમાં માત્ર 0.08 ઇંચ વરસાદ પડ્યો છે. જેથી લોકોની સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

આ દરમિયાન સુરતના લીંબાયત અને કમરૂનગર આવાસ વિસ્તારમાં હજુ પણ 20 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. એક માળ સુધી પાણી ઘૂસતાં અનેક પરિવારોના ઘરો જળમગ્ન, જનજીવન સંપૂર્ણ પ્રભાવિત થયું છે. મનપા, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. તંત્રના અંદાજ મુજબ પાણી ઉતરવામાં હજુ એક દિવસ જેટલો સમય લાગી શકે છે.