Wed Jul 08 2026

Logo

"ભારત અમારી મદદ કરો": PoKમાં મુનીર સેનાના અત્યારચાર સામે લોકોનો પોકાર- VIDEO વાયરલ

2026-07-08 14:07:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં ચાલી રહેલી અશાંતિમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાનની સરમુખત્યાર સેનાના હાથે રોજ લોકોના મોત થઇ રહ્યા છે. આવા સમયે PoKના વિરોધ પ્રદર્શનોની આગેવાની કરી રહેલી જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના નેતા સરદાર અમન ખાને ભારત પાસે મદદ માંગી છે. તેમનો દાવો છે કે વિરોધ પ્રદર્શનો પર કડક કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાન સરકારે આ વિસ્તારમાં આર્થિક નાકાબંધી કરી દીધી છે. હવે JAAC નેતાએ નવી દિલ્હીને માનવીય સહાય મોકલવા અને લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર બોર્ડર ખોલવાની અપીલ કરી છે. તેમણે દલીલ કરી હતી કે જો સ્થિતિ વધુ બગડશે, તો PoKના સામાન્ય નાગરિકો પાસે ભારત જવાનો વિકલ્પ હોવો જોઈએ.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં અમન ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, "આપણને ભારતની મદદની જરૂર છે. અહીં રાશનની અછત છે..." તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી તેજ કરવાને કારણે PoKના રહેવાસીઓને ખોરાક અને દવાઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી ગંભીર માનવીય સંકટ ઊભું થયું છે.

રાવલકોટના ઈદગાહ મેદાનમાં ભારે ભીડને સંબોધતા અમન ખાને લોકોને પૂછ્યું કે શું તેમણે લાઇન ઓફ કંટ્રોલ તરફ આગળ વધવું જોઈએ? ત્યારે ભીડમાંથી વારંવાર જવાબ મળ્યો, "તેના તરફ આગળ વધો."

PoKમાં અશાંતિ અને લોહીયાળ સંઘર્ષ

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી આ અપીલ એવા સમયે આવી છે જ્યારે PoKમાં છેલ્લા કેટલાક મહિનાથી પાકિસ્તાની વહીવટીતંત્ર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, ઈદગાહ મેદાનમાં યોજાયેલી એક વિશાળ વિરોધ રેલી દરમિયાન, લોકોએ "PoK પાકિસ્તાનનો ભાગ નથી" અને "આપણને આઝાદી જોઈએ છે" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દર્શાવે છે કે ભલે વિરોધ સુધારાની માંગ સાથે શરૂ થયો હતો, પરંતુ હવે તે પાકિસ્તાનથી આઝાદીની ખુલ્લી માંગમાં ફેરવાઈ ગયો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે PoKમાં વર્તમાન રાજકીય સંકટ સ્થાનિક લોકો અને પ્રાદેશિક વહીવટીતંત્ર વચ્ચેના ઊંડા અવિશ્વાસને દર્શાવે છે, કારણ કે આ વહીવટીતંત્ર સંપૂર્ણપણે ઇસ્લામાબાદના નિયંત્રણ હેઠળ છે. તેમનું માનવું છે કે JAAC પર પ્રતિબંધ મૂકવાનો અને કબજા હેઠળના વિસ્તારમાં સેનાનો ઉપયોગ કરવાનો પાકિસ્તાની સત્તાવાળાઓનો નિર્ણય, અશાંતિને દબાવી દેવાના એક સુનિયોજિત કાવતરાનો ભાગ છે.

5 જૂનના રોજ પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા JAACને ગેરકાયદેસર જાહેર કરવા અને આ પાયાના સ્તરના જૂથને આતંકવાદી સંગઠન ગણાવ્યા બાદ PoKમાં અશાંતિ વધુ વકરી છે.

લંડનમાં પણ વિરોધ

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચાલી રહેલો તણાવ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંતર્ગત યુનાઇટેડ કિંગડમ (યુકે)માં રહેતા મોટી સંખ્યામાં કાશ્મીરી સમુદાયના લોકોએ લંડન સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન (ઉચ્ચાયોગ) બહાર પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ પીઓકે (PoK) માં પાકિસ્તાની સુરક્ષા દળોની કથિત કાર્યવાહીનો વિરોધ કરીને માનવાધિકારોની પુનઃસ્થાપના, ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા અને શાંતિપૂર્ણ વાતાવરણની માંગ કરી હતી.