Wed Jul 08 2026

Logo

લખપતના બકલ બેટ પરથી અમેરિકન નેવીનું કન્ટેનર મળી આવ્યું: એરફોર્સ દ્વારા સઘન તપાસ શરૂ

2026-07-08 12:17:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના સરહદી અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા દરિયાઈ વિસ્તારમાંથી અવારનવાર શંકાસ્પદ વસ્તુઓ મળી આવવાનો સિલસિલો જારી રહ્યો છે. ગયા સોમવારે બપોરે સરહદી સલામતી દળના જવાનોને સર્ચ ઓપરેશન દરમિયાન લખપત તાલુકાના બકલ બેટ દરિયા કિનારેથી એક વિદેશી બિનવારસુ કન્ટેનર હાથ લાગ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ આ બોક્સનો કબજો મેળવીને તેને ખોલતાં તેમાંથી અત્યાધુનિક હાઇડ્રોલિક પંપ મળી આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને આ સમગ્ર મામલાની આગળની તપાસ એરફોર્સને સોંપવામાં આવી હતી

કોસ્ટલ સિક્યોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠેથી મળી આવેલા આ કન્ટેનર પર સ્પષ્ટ અક્ષરોમાં 'PROPERTY OF U.S. GOVT' (અમેરિકી સરકારની સંપત્તિ) અને 'NAVY' લખેલું છે, જે દર્શાવે છે કે આ સામગ્રી યુએસ નેવીના શિપિંગ નેટવર્ક સાથે જોડાયેલી છે. આ ઉપરાંત, બોક્સની અંદર રહેલા હાઇડ્રોલિક પંપ પર ઓસ્ટ્રેલિયાની ‘એટલાન્ટિસ ફાયર એન્ડ સેફ્ટી સર્વિસ’ કંપનીનું સ્ટીકર મારેલું છે તેમજ તેના પર એક સર્વિસ ટેગ પણ છે, જેમાં '૫ નવેમ્બર ૨૦૨૪' ની તારીખ અંકિત થયેલી છે.

સંરક્ષણ ક્ષેત્રના જાણકારોના મતે, અગાઉ ઈરાન અને અમેરિકા વચ્ચેના વધેલા યુદ્ધના તણાવ દરમિયાન અરબ સાગરમાંથી અમેરિકન નેવીના અનેક યુદ્ધજહાજો પસાર થયા હતા. આ દરિયાઈ સફર દરમિયાન કોઈ શિપમાંથી આ હાઇડ્રોલિક પંપનું રિ-યુઝેબલ કન્ટેઇનર અકસ્માતે અરબ સાગરમાં પડી ગયું હોવાની પ્રબળ આશંકા છે. કન્ટેનરની સપાટી પર ચોંટી ગયેલા દરિયાઈ જીવો અને છીપલાં એ વાતની સાક્ષી પૂરે છે કે આ બોક્સ લાંબા સમય સુધી સમુદ્રના પાણીમાં તરતું રહ્યું હતું અને ઊંચા મોજાંના કારણે ઘસડાઈને આખરે લખપતના કાંઠે આવી પહોંચ્યું છે.

દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત રાખવાના ભાગરૂપે આ વિદેશી કન્ટેનર અને હાઇડ્રોલિક પંપને ટેકનિકલ અને સઘન તપાસ અર્થે ભારતીય એરફોર્સ (વાયુસેના)ને સુપ્રત કરાયા છે. એરફોર્સના નિષ્ણાતોની ઊંડી તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે આ અત્યાધુનિક પંપનો ઉપયોગ યુદ્ધજહાજ કે લશ્કરી શિપમાં કયા હેતુ માટે કરવામાં આવતો હતો.

(ઉત્સવ વૈદ્ય)