Thu Jun 25 2026

Logo

મનનઃ એક જ વાર પ્રકાશેલો હું

2026-05-04 08:48:00
Author: Hemant Wala
Article Image

હેમંત વાળા

ઉપનિષદોમાં બ્રહ્મ વિશે ઘણી વાતો કહેવાઈ છે. આ બધી વાતોના સાર સ્વરૂપે આદિ શંકરાચાર્યે ઉપદેશસાહસ્રીની રચના કરી છે. અહીં તેમણે બ્રહ્મ વિશે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે બ્રહ્મ એક જ વાર પ્રકાશિત થયેલું છે. આ બ્રહ્મ સાથે તેમણે આત્માનો સંબંધ દર્શાવ્યો છે, સ્થાપિત કર્યો છે. અદ્વૈતવાદની વિચારધારા પ્રમાણે આ આત્મા અને પરમાત્મા એક જ છે, એક જ અસ્તિત્વની પ્રતીત થતી બે ભિન્ન અભિવ્યક્તિ છે. બ્રહ્મસૂત્રના ભાષ્યમાં પણ તેમણે બ્રહ્મ વિશે વધુ ચોખવટ કરી છે.

શંકરાચાર્યની વિચારસરણી વેદાંતના અદ્વૈતવાદનું અનુમોદન કરે છે. બ્રહ્મ સાથે આત્માની, સ્વયંની સરખામણી કરતાં તેઓ કહે છે કે જે અક્ષરબ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, જે આકાશ જેવું સર્વવ્યાપી છે, જે સૃષ્ટિની દરેક ઘટનાથી પર છે, જે એક જ વાર પ્રકાશિત થયેલું છે, જે એક માત્ર છે અને માત્ર તે એક જ છે, જે સર્વવ્યાપી હોવાં છતાં નિર્લેપ છે, જે નિત્ય મુક્ત છે, જે દરેક પ્રકારે દ્વૈતરહિત છે, તે ૐકાર સ્વરૂપ શાશ્વત અસ્તિત્વ, આત્મા હું જ છું. હું જ તે પરબ્રહ્મની અભિવ્યક્તિ છું.

ગીતામાં જણાવ્યા પ્રમાણે જ્ઞાન આ લોકની સૌથી પવિત્ર ઘટના છે. હું જ્ઞાન સ્વરૂપ છું તેથી હું શુદ્ધ, વિકાર રહિત અને પવિત્ર છું. કોઈપણ પ્રકારની વિકૃતિ મારા અસ્તિત્વમાં પ્રવેશી શકવા સમર્થ નથી. મારી ચારે તરફ હું જ છું, મારી ચારે તરફ મારું જ અસ્તિત્વ છે. આગળ-પાછળ, ઉપર-નીચે, ડાબે-જમણે, બધી તરફ મારો જ વિસ્તાર છે. હું મારાં જ અસ્તિત્વમાં સ્થિત છું. હું મારામાં જ પ્રગટ થઈને પ્રકૃતિના નિયમોને અનુસરું છું. સર્વવ્યાપી ૐકાર સ્વરૂપ હું જ છું.

પોતાને કેન્દ્રમાં રાખીને માનવીના અસ્તિત્વને, સર્વ પ્રાણીના અસ્તિત્વને, આગળ સમજાવતાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે, સ્વભાવથી જ મારે કોઈ વિષય માટે લગાવ નથી, કોઈ વિષય પ્રત્યે રાગ-દ્વેષ નથી, વાસ્તવમાં મારે કોઈ વિષય જ નથી. હું શરીર નથી અને તેથી મને જન્મ-જરા આદિ વિકારો નથી. હું મન નથી અને તેથી મને વિચારો અને ઇન્દ્રિય પ્રત્યેનું ખેંચાણ નથી. હું બુદ્ધિ નથી અને તેથી મને કોઈપણ સ્વરૂપે નિર્ણાયક બનવાની, નિર્ણય લેવાની આવશ્યકતા નથી. હું ચિત્ત પણ નથી અને તેથી મારામાં કોઈપણ પ્રકારનાં સંસ્કાર સંગ્રહાયેલા નથી. દરેક પરિસ્થિતિથી મુક્ત એવું ૐકાર સ્વરૂપ હું છું.

શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને તેનાં દુ:ખોની પરંપરા સાથે મને કોઈ સંબંધ નથી. હું નિર્વિકાર છું. આવજા કરવાના સ્વભાવવાળા શરીરાદિના ધર્મ મારે નથી. શરીર અને તેનું કાર્ય તો અસત છે, સ્વપ્ન અવસ્થામાં અનુભવાતાં દૃશ્ય જેવાં તે ભ્રામક છે. તે બધાંથી પર અને પરમ એવી મારી સ્થિતિ છે, મારી અવસ્થા છે. મને કોઈ વિકાર નથી અને મારે વિકારનું કોઈ કારણ નથી. મારું અસ્તિત્વ સંપૂર્ણતામાં સર્વદા વિકાર રહિત છે. મારે કોઈ સિદ્ધિ નથી અને સિદ્ધિની મારે આવશ્યકતા નથી. હું સ્થૂળ તેમ જ સૂક્ષ્મ અસ્તિત્વથી પણ રહિત છું.

હું કાર્ય નથી, કારણ પણ નથી. હું હેતુ નથી, પરિણામ પણ નથી. હું સવિકલ્પ નથી, નિર્વિકલ્પ પણ નથી. મારે નથી કોઈ શત્રુ કે નથી કોઈ મિત્ર. મને નથી જન્મની આવશ્યકતા કે નથી મૃત્યુનું બંધન. મને નથી પ્રવૃત્તિ માટે લગાવ કે નથી નિવૃત્તિની ઈચ્છા. મારે કશું ગ્રહણ કરવાની જરૂર નથી અને મારી માટે કશું ત્યાગ કરવાં જેવું પણ નથી. મારી પાસે કશું નથી અને મારું કશું નથી. સુષુપ્તિ, જાગ્રત અને સ્વપ્ન જેવી મારી કોઈ અવસ્થા નથી. હું તે ત્રણેય અવસ્થાથી રહિત ચોથી તુરીય અવસ્થાવાળો છું. સમય અને સ્થળના બંધનથી પર એવું મારું અસ્તિત્વ છે.

મને મોક્ષ કે બંધન નથી. હું ક્રિયાવાન નથી અને તેથી મારા માટે પાપ કે પુણ્ય જેવી પરિસ્થિતિ નથી. મને વર્ણ નથી અને આશ્રમ પણ નથી, અને તેથી કોઈ પણ પ્રકારની સંલગ્નતા નથી. કર્મ કે તેના ફળ સાથેનાં સંબંધનાં વ્યાપમાં મારું અસ્તિત્વ નથી, અને તેથી દરેક પ્રકારના કર્મ અને તેની સાથે સંકળાયેલા તેનાં ફળથી હું મુક્ત છું. હું અવિદ્યા તથા અજ્ઞાનના પ્રપંચથી મુક્ત છું. મારી સૂક્ષ્માતિસૂક્ષ્મતાને કારણે કોઈપણ પરિસ્થિતિ સાથે હું લેપાતો નથી. 

તેથી જ હું સદા શુદ્ધ પવિત્ર અને નિર્મળ છું. હું શ્રેષ્ઠ છું, પરમ છું, આનંદ સ્વરૂપ છું, દ્વૈતરહિત છું, સનાતન છું, આકાશની જેમ સર્વત્ર તેમજ અલિપ્ત છું, સમાન-સ્વરૂપ છું, મંગળમય પરમાનંદ રૂપ બ્રહ્મનું જ એક પ્રગટ સ્વરૂપ છું. હું દૃશ્ય નથી, દર્શન પણ નથી, માત્ર દ્રષ્ટા છું. એક રીતે જોતાં એમ પણ કહેવાય કે હું દ્રષ્ટા પણ નથી. હું માત્ર સાક્ષી છું. હું અજન્મા, અમૃત સ્વરૂપ, સ્વયં પ્રકાશિત, નિર્મળ, સ્વરૂપાનંદથી તૃપ્ત, સર્વથા મુક્ત ૐકાર છું.

આ બધાં વિધાન સાથે શંકરાચાર્ય મહારાજે અદ્વૈતવાદ સિદ્ધાંતને બહુ સરસ રીતે સ્પષ્ટ કરી દીધો છે. આ દર્શનમાં એ જ વાત સમજાવવામાં આવી છે કે બ્રહ્મ સિવાય બીજા કશાનું અસ્તિત્વ છે જ નહીં. જે કંઈ વર્તાવ થાય છે તે તો માયાના પ્રપંચને કારણે પ્રતીત થતી અવિદ્યા છે. જ્યારે સ્વયંને, પોતાના આત્માને પરબ્રહ્મ સાથે સાંકળવામાં આવે, જોડવામાં આવે, સરખાવવામાં આવે, ત્યારે સ્વાભાવિક રીતે અસ્તિત્વ માટે એક રૂપરેખા નિર્ધારિત થઈ જાય. પછી આપમેળે અમુક બાબતમાંથી, અમુક પ્રકારની માનસિકતામાંથી બહાર નીકળી જવાય અને અમુક ધારણાં સાથે તાદાત્મ્યતા ઊભી થાય. વેદાંત દર્શનનું આ એક અદ્ભુત પ્રયોજન હોય તેમ જણાય છે.