Tue Apr 21 2026

Logo

આચમનઃ વર્તમાન સમયના બેહાલ જીવનમાં ગીતા દીવાદાંડી

2026-04-06 11:02:00
Author: Mumbaisamachar Team
Article Image

 

અનવર વલિયાણી

ઘણી જ નાની વયે જેમની વિરાટ પ્રતિભાના વિશ્ર્વે દર્શન કર્યાં તે સ્વામી વિવેકાનંદના જીવનનો એક યાદગાર  પ્રસંગ પ્રેરણાદાયી બની રહેવા પામશે.

વાત છે ઈસ્વીસન 1893ની. અમેરિકાના શિકાગો રાજ્યમાં વિશ્વધર્મ પરિષદનું આયોજન થયું હતું. દેશદેશાવરથી  વિવિધ ધર્મના પ્રતિનિધિઓ આ પરિષદમાં પધાર્યા હતા. વૈદિક ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદે પણ હાજરી આપી હતી. આ સંન્યાસી ઉપસ્થિત ધર્મગુરુઓનો ઉપહાસ સહન કરી રહ્યો હતો. વૈદિક સંસ્કૃતિ માટે આ લોકો ભારે અણગમો ધરાવતા હતા. તેમના મતે દંભી, વહેમી અને બાહ્ય ક્રિયાકાંડો પૂરતી જ વૈદિક સંસ્કૃતિ સીમિત છે. 

જોકે તેમની વાતને ના પાડી શકાય તેમ નહોતું. કેમકે બુદ્ધિતત્ત્વને અભરાઈ પર મૂકી તત્કાલીન ધર્મપંડિતો દ્વારા વૈદિક સંસ્કૃતિને ખૂબ હીન કક્ષાએ લઈ જવાઈ હતી.

સ્વામી વિવેકાનંદની વિનંતીથી તેમને બે મિનિટનો સમય બોલવા માટે અપાયો હતો. સ્વામીજી મંચ પર પધાર્યા ત્યારે એક બાજુ પર વિવિધ ધર્મગ્રંથોને એક ઉપર એક મૂકવામાં આવ્યા હતા. તેમાં ગીતાનું સ્થાન સૌથી છેલ્લે હતું.

કોઈએ સ્વામીજીનો ઉપહાસ કરતા કહ્યું - ‘જુઓ તમારી ગીતાનું સ્થાન સૌથી નીચે છે.’ અર્થાત્ તેની યોગ્યતા અત્યંત કનિષ્ક પ્રકારની છે.

સ્વામીજીએ કંઈ બોલ્યા વગર ગીતા ગ્રંથ ખસેડયો તો ઉપરના બધા ગ્રંથ પડી ગયા. સ્વામીજીએ કહ્યું- ‘ગીતા બધા જ ગ્રંથોનો પાયો છે. તેના પર બીજા ગ્રંથો અડીખમ ઊભા છે. એ જો નહીં રહે તો આ બધા ગ્રંથો પણ પડી જશે.’

...અને એ પછી સ્વામીજીનું જે યાદગાર પ્રવચન થયું તેણે તો બીજા બધા ધર્મ - ધુરંધરોને ઝાંખા પાડી દીધા. પોતાને નખશિખ વિદ્વાન સમજતા ધર્મગુરુઓ ભોઠા પડી ગયા.

* નરમાંથી નારાયણ બનાવતા આ ગ્રંથમાંથી માનવજીવનને સ્પર્શથી દરેક સમસ્યાઓનો ઉકેલ વાંચવા મળે છે.
* ગીતા વાંચો. કોઈપણ ધર્મનો સાર તેમાં સમાયેલો જોવા મળશે.
* ગીતા એ કેવળ ભારતીય ગ્રંથ નથી પણ વૈશ્ર્વિક ગ્રંથ છે.
* મોટા મોટા તત્ત્વજ્ઞાનીઓ ભાવિ વિશ્ર્વ ધર્મનાં સર્વોત્કૃષ્ટ ગ્રંથ તરીકે ગીતાને માને છે.

- મનુષ્યના જીવનને માનસિક - શારીરિક રીતે છિન્નભિન્ન કરી, બેહાલ કરી મૂકેલા વર્તમાન સમયમાં ગીતા દીવાદાંડી છે. ધાર્મિક ધર્મગુરુઓ, અનુયાયીને વાચવા જેવો, બોધરૂપ એટલે ગીતા...
* * *
સતસંગ

- સાચો ધર્મ શીખવો હોય કે ધર્મ વિષે
* ઊંડી માહિતી
* જ્ઞાન મેળવવા કે પછી
* કોઈપણ દેશનો વહીવટ સુપેરે ચલાવવા માટે માર્ગદર્શન મેળવવું હોય તો તે વખતે ચર્ચા કે વાતચીતનું મહત્ત્વ આપણાં શાસ્ત્રોમાં ઘણું ઊંચું આકવામાં આવ્યું છે.
- આજે એક જ ઘર અને
- એક જ પરિવારમાં રહેતા માણસો એક બીજા સાથે વાતચીત દ્વારા વિચારો અને લાગણીઓનો વિનિમય કરતા બંધ થઈ રહ્યા છે.
- તે પાછળનાં કારણો શોધવાનો સમય દસ્તક દઈ રહ્યો છે.