ગાંધીનગરઃ રાજ્યમાં ભણશે ગુજરાત તેવા ઢોલ પીટાઇ રહ્યાં છે ત્યારે રાજ્યમાં શિક્ષણની અવદશા ઉજાગર થઇ છે. સરકારે વિધાનસભામાં રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 75 સરકારી પ્રાથમિક શાળા બંધ થઈ હોવાનું સ્વીકાર્યું હતું. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા અથવા અન્ય વહીવટી કારણોસર આ શાળાઓના પાટીયા પડી ગયા છે. એક તરફ સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી શાળાઓનું અસ્તિત્વ જોખમમાં મુકાતા વાલીઓ અને શિક્ષણવિદોમાં ચિંતા જોવા મળી રહી છે.
કોણે પૂછ્યો પ્રશ્ન
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂછ્યું કે, 21-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે, શાળાઓ બંધ કરવાના મુખ્યત્વે શું કારણો છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં કયા પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે?
સરકારે શું આપ્યો જવાબ
જેનો જવાબ આપતાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રધાને જણાવ્યું, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 75 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. વિદ્યાર્થીની સંખ્યા ઘટવાતી અથવા વિદ્યાર્થી સંખ્યા શૂન્ય થવાથી બંધ કરવાની ફરજ પડી હતી. સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ નજીકની શાળામાં દાખલ થાય તેની કાળજી રાખવામાં આવે છે તથા તેઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ વિધાનસભા ગૃહમાં ખુદ શિક્ષણ પ્રધાને સ્વિકાર્યુ હતું કે, માત્ર નર્મદા જીલ્લામાં જ 145 શાળાઓ એવી છે જ્યાં નામપુરતો એક જ શિક્ષક છે. હવે આ શાળામાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતાં હશે તેની કલ્પના કરવી રહી. નર્મદા જિલ્લામાં 549 શિક્ષકો અને દાહોદ જીલ્લામાં 1284 શિક્ષકોની ઘટ પ્રવર્તી છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. હવે એક શાળામાં એકથી આઠ ધોરણ હોય તો એક શિક્ષક બધાય ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવે તે સવાલ ઉઠ્યો છે. આ ઉપરાંત શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવે છે.
શિક્ષકો જો મીટિંગ અથવા તો સરની કામગીરીમાં વ્યસ્ત હોય તો વિદ્યાર્થીઓના અભ્યાસનું શું? પછાત આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતી વઘુને વઘુ કથળી રહી છે ત્યારે સરકાર આ મામલે જરાય ગંભીર નથી. ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે, આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં પુરતા ઓરડાઓ પણ નથી. ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓ ભણે છે, ઘણાં ઠેકાણે ઝાડ નીચે બેસીને ભણવા વિદ્યાર્થીઓ મજબૂર છે. દર વર્ષે બજેટમાં શિક્ષણ માટે હજારો કરોડોની જોગવાઈ કરાય છે તો પછી આદિવાસી વિસ્તારોમાં શાળાઓના ઓરડાઓ કેમ બનાવવામાં આવતા નથી. શિક્ષકોની ભરતી કેમ કરાતી નથી. 30 વર્ષની ભાજપનુ શાસન છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓના ઓરડા અને શિક્ષકો પૂરા પાડવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે.