Sun Jun 28 2026

Logo
Featured

કચ્છની પ્રાથમિક શાળાઓના 340 જર્જરિત ઓરડા ચોમાસા પૂર્વે જમીનદોસ્ત કરાશે

2026-06-28 11:43:00
Author: Mumbai Samachar Team
Article Image

વિલંબ કરનારા આચાર્યો સામે કડક પગલાંની ચીમકી

ભુજ: નૈઋત્યના ચોમાસાંની ઋતુ દરમિયાન પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ભૂલકાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કચ્છ જિલ્લા પ્રશાસન દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જિલ્લાની વિવિધ સરકારી શાળાઓના અંદાજે 340 જેટલા અત્યંત જર્જરિત અને ભયજનક ઓરડાઓને ચોમાસું વસે તે પૂર્વે જ તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે.

જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં નવનિર્માણ પામેલી પ્રાથમિક શાળાઓના બાંધકામને હવે 25 વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. લાંબા સમયગાળા અને દરિયાઈ આબોહવાના કારણે અનેક શાળાઓના ઓરડાઓ જર્જરિત અને જોખમી બન્યા હોવાના અહેવાલો જે-તે શાળાના આચાર્યો અને એસ.એમ.સી. દ્વારા મળ્યા હતા, જેને પગલે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શાળાના ભયજનક ઓરડા તોડવા માટેની વહીવટી પ્રક્રિયા અત્યંત જટિલ અને લાંબી છે, જે સામાન્ય રીતે 6 થી 8 મહિનાનો સમય માંગી લે છે. સૌપ્રથમ જર્જરિત ઓરડાના ફોટોગ્રાફ્સ સાથે શાળા સંચાલન સમિતિ દ્વારા ઠરાવ પાસ કરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી કરવામાં આવે છે. અરજી બાદ તાલુકા બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર સ્થળ તપાસ કરીને ઇમારત તોડવા લાયક છે કે મરંમત યોગ્ય, તેનું લેખિત પ્રમાણપત્ર આપે છે. આ પ્રમાણપત્રના આધારે જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતાવાળી સમિતિ મંજૂરી આપે છે અને ત્યારબાદ અખબારોમાં હરાજીની જાહેરખબર આપી એજન્સી નક્કી કરીને ઇમારત ધ્વસ્ત કરાય છે.

જાણકારોના મતે, ઓરડા તોડ્યા બાદ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ નવી ઇમારત માટે દરખાસ્ત મોકલાય છે. ત્યાંથી બજેટ અને ટેન્ડર પ્રક્રિયા મંજૂર થઈ નવું બાંધકામ પૂર્ણ થતાં કમ સે કમ ૪ થી ૫ વર્ષનો સમય નીકળી જાય છે. ત્યાં સુધી બાળકોના શિક્ષણ કાર્યને અસર ન પહોંચે તે માટે સ્થાનિક સ્તરે વૈકલ્પિક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે.

આદેશ છતાં લાપરવાહી દાખવનારા આચાર્યોની જવાબદારી નક્કી થશે

સમગ્ર શિક્ષા કચેરીના પરિપત્ર અનુસાર, ગત એપ્રિલ માસમાં જ આ ઓરડાઓ તોડવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હોવા છતાં, ત્રણ મહિના જેટલો સમય વીતવા છતાં કેટલીક શાળાઓએ આ દિશામાં કોઈ કાર્યવાહી કરી નથી. આ ગંભીર બેદરકારીને પગલે ડીડીઓની બેઠકમાં કડક તાકીદ કરવામાં આવી છે કે તમામ શાળાઓએ તાત્કાલિક અખબારોમાં હરાજીની જાહેરાત આપી ઓરડા તોડવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો આમાં કોઈ વિલંબ કે દુર્ઘટના સર્જાશે, તો તેના માટે જે-તે શાળાના આચાર્યને સીધા જવાબદાર ગણી કાયદેસરની કાર્યવાહી કરાશે.

ભુજ શહેરની શાળાઓ ઉપરાંત લોડાઈ, ભારાપર, મોટી રોહાતળ, માનકૂવા, સોયલા, મોચીરાઈ, ઢોરી, રામનગરી, વાઘુરા, વાત્રા, જેઠવાંઢ (ઝુરા), પાયરા, ઝુરા, સુમરાસર, લુડિયા, નાના પાયરા, સેરવો અને ખાવડા, ગાંધીધામ શહેરની ૧૦ શાળાઓ તેમજ અંજાર શહેર-ગ્રામ્યના ઈન્દ્રપ્રસ્થ, વાડા, ચાંદ્રોડા, હીરાપર, ઉમરવાંઢ, નિંગાળ, તુણા, તુણા વંડી, મેઘપર (બોરીચી), ચંદ્રનગર, મોટી નાગલપર, રહીમવાંઢ અને નવા ખીરસરા, વાગડ વિસ્તારના ભચાઉના ખોડાસર, ચોબારી, જૂના-નવા કટારિયા, ઘનશ્યામનગર, ગોકુલધામ, રામદેવપીર વાંઢ, લલિયાણા, આધોઈ, ગોડપર, જંગી, અમૃતપર, શિકરા તથા રાપર તાલુકાના માનગઢ, હમીરપર, ગૌણથાણા, ભગતવાળી વાંઢ, રવેચી, લાલાસરી, નંદાસર, ભીમદેવકા, ફતેહગઢ, ક્રિષ્નાનગર, આનંદપર, પ્રાગપર, એકતાનગર અને સણવા, માંડવીનું કિશનપર, હમલા; મુંદરાના ઝરપરા, પ્રાગપર, શિરાચા, બરાયા, ગેલડા, ભુજપુર,નખત્રાણાના અમરપુર, ખીરસરા, લૈયારી, ઝાલુ, ગોડજીપર, રામપર, ગણેશનગર, તરા, બાંડિયારા, જીંજાય; લખપતના દયાપર, કોરિયાણી, ફુલરા, સોનલપર, નરેડો, કાનેર, બાલાપર, ગોંધાતડ તેમજ અબડાસાના નાની-મોટી બેર, ઐડા, વલસરા, વરાડિયા, વાલારીવાંઢ, રાયધણજર અને સુડધ્રો ગામની શાળાઓનો સમાવેશ થાય છે તેમ સંજય પરમારે ઉમેર્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)