ભુજઃ કચ્છમાં માર્ગ અકસ્માત અને આપઘાતના ચાર જુદા-જુદા બનાવો સામે આવ્યા છે જેમાં માંડવી તાલુકામાં રસ્તા પર લડતા ઊંટ મોટરસાઇકલ સાથે ભટકાતાં ગઢશીશાના અગ્રણી વેપારીનું મોત નીપજ્યું છે, જ્યારે પદ્ધર નજીક ટ્રકની ટક્કરે ઈજાગ્રસ્ત મોટરસાઇકલ સવાર 13 વર્ષીય કિશોરે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ઉપરાંત ગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું હતું, જયારે નલિયા ખાતે એક આધેડનો મૃતધ કૂવામાંથી મળી આવતાં ચકચાર પ્રસરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બંદરીય માંડવી તાલુકાના ભેરૈયા પાટિયા નજીક ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગઢશીશા ગામના પ્રતિષ્ઠિત સામાજિક અગ્રણી અને ઈલેક્ટ્રિક ઉપકરણોની દુકાન ધરાવતા 68 વર્ષીય રમેશભાઈ શિવજી બ્રહ્મક્ષત્રિય પોતાના મિત્ર સાથે મોટરસાઈકલ પર ગઢશીશા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ભેરૈયા પાટિયા પાસે ધોરીમાર્ગ પર બે ઊંટ અંદરોઅંદર ઝઘડતા-ઝઘડતા અચાનક મુખ્ય માર્ગ વચ્ચે દોડી આવ્યા હતા.
ચાલક કંઈ સમજે તે પૂર્વે જ આ ઊંટ મોટરસાઇકલ સાથે ભટકાતાં રમેશભાઈ રોડ પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક પ્રથમ ગઢશીશા અને ત્યારબાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં તેમના મિત્રને સામાન્ય ઈજાઓ થઈ છે. રમેશભાઈ સાર્વજનિક પાણી પુરવઠા ટ્રસ્ટ અને ગઢશીશા પદયાત્રી સેવા કેમ્પ જેવી અનેક સંસ્થાઓમાં સક્રિય હોઈ, તેમના અવસાનથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.
બીજો અકાળ મૃત્યુનો બનાવ ભુજ તાલુકાના પદ્ધર પોલીસ મથકની હદમાં બન્યો હતો. મૂળ વાત્રા ગામના પશુપાલક પરિવારના બે સગા ભાઈઓ હૈયાત (ઉ.વ. 20) અને કાદર તાજમામદ જુણામાલા ઝુર્યા (ઉ.વ. 13) ગત 25 જૂનની સાંજે પોતાના મોટરસાઇકલ પર મોખાણા ગામથી નીકળ્યા હતા. મોડસર-જવાહરનગર રોડ પર લક્ષ્મીનગર નજીક પાછળથી પૂરઝડપે આવેલા રાજસ્થાન પાસીંગના ટ્રકે મોટરસાઈકલને ટક્કર મારી દીધી હતી.
આ અકસ્માતમાં પાછળ બેઠેલા 13 વર્ષીય નાના ભાઈ કાદર પર ટ્રકનું તોતિંગ ટાયર ફરી વળતાં તેને કમર અને સાથળના ભાગે જીવલેણ ઈજાઓ થઈ હતી. તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, ગાંધીધામના કાર્ગો બાપા સીતારામ નગરમાં રહેતા 26 વર્ષીય દશરથ સવા દેવીપૂજકે ગત 26 જૂનના રોજ બપોરે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ આપઘાતનું કારણ શોધવા વધુ તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આવેલા દુધિયા હનુમાન મંદિરની પાછળ એક કૂવામાંથી ગઈકાલે બપોરે કોસા ગામના વેલજીભાઈ રામજીભાઈ કોળી નામના આધેડની તરતી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)