Sun Jun 28 2026

Logo

આર્દ્રા નક્ષત્રના અસહ્ય બફારા વચ્ચે મુંદ્રા - નખત્રાણા પંથકમાં વરસાદી ઝાપટાં, 2 જુલાઈથી મેઘમહેરની શક્યતા

2026-06-28 12:33:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: રણપ્રદેશ કચ્છમાં હાલ મહત્તમ તાપમાનમાં થઈ રહેલા સામાન્ય ઉતાર-ચડાવ વચ્ચે અસહ્ય ગરમી અને ઉકળાટનો પ્રભાવ યથાવત્ રહ્યો છે. આર્દ્રા નક્ષત્રના આ ભારે બફારાના માહોલ વચ્ચે મેઘતૃષ્ણાનાં મુલક સમાન કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝરમર ઝાપટાં વરસતાં સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. 

જો કે, કંડલા એરપોર્ટ પર ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસે પહોંચી જતાં અંજાર અને ગાંધીધામ સહિતના પંથકમાં નગરજનો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા હતા. આ જ રીતે કંડલા પોર્ટ વિસ્તારમાં 39 ડિગ્રી તાપમાન અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે જનજીવન બફારાથી બેહાલ બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યાં બપોરના સમયે ફૂંકાયેલા લૂ ઓકતા ઉના પવનોએ શહેરીજનોને આકુળવ્યાકુળ કરી મૂક્યા હતા.

સમગ્ર જિલ્લામાં વ્યાપેલી તીવ્ર ગરમી વચ્ચે સવારના ભાગે મુંદરા શહેર ઉપરાંત આસપાસના બોઆ, પ્રાગપર અને કારાઘોઘા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આ ઉપરાંત નખત્રાણા તાલુકાના દનણા અને તેની આજુબાજુના સીમ વિસ્તારમાં પણ અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ધીમી ધારે ઝાપટું વરસી ગયું હતું, જેનાથી ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી હતી.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી સાત દિવસની સત્તાવાર આગાહી મુજબ, આગામી 1લી જુલાઈ સુધી જિલ્લામાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જો કે, બીજીથી ચોથી જુલાઈ દરમિયાન પશ્ચિમ ભારતના દરિયાકાંઠે કેટલીક નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણ સાનુકૂળ બનશે અને કચ્છના જુદા-જુદા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, જુલાઈના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં ચોમાસું સત્તાવાર રીતે કચ્છમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શક્યતા છે, જેને પગલે આગામી દિવસોમાં સાર્વત્રિક મેઘમહેર થાય તેવી આશા સેવાઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)