તેહરાનઃ શાંતિ વાર્તાને લઈને લાંબી-લાંબી ચર્ચા બાદ ફરી એકવાર હોર્મુઝમાં હુમલો થયો છે. અમેરિકા-ઈરાન વચ્ચે ફરી સંબંધ ખાટા થઈ ગયા છે. 72 કલાકમાં ત્રીજીવાર આ પ્રકારનો હુમલો થયો છે. જેના કારણે જહાજના ઑપરેશન પ્રભાવિત થયા છે. અમેરિકાએ જ્યારે ઈરાનના દરિયાકાંઠા અને ટાપુઓ પર આગ વરસાવીને ઈરાની હુમલાનો બદલો લીધો, ત્યારે ઈરાને યુએસ લશ્કરી થાણાઓ પર ડ્રોનનો મારો ચલાવીને સણસણતો જવાબ આપી દીધો છે. ફરી એકવાર બદલાની લડાઈને કારણે અખાતી દેશની ચિંતા રાતોરાત વધી ગઈ છે. આંશિક શાંતિ બાદ ફરીવાર મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત થઈ ગઈ છે. તેણે ચેતવણી પણ આપી હતી કે સમગ્ર ગલ્ફ ક્ષેત્રને કોઈપણ મૂર્ખાઈની કિંમત ચૂકવવી પડશે.
72 કલાકમાં ત્રણ વાર હુમલા
છેલ્લા 72 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ વખત ભયાનક હુમલાઓ થયા છે. તા.25 જૂનના રોજ, ઈરાને સિંગાપોરના વાણિજ્યિક જહાજ એવર લવલી પર ડ્રોન હુમલો કર્યો. તેના જવાબમાં તા.26 જૂનની રાત્રે અમેરિકાએ ઈરાની દરિયાકાંઠાના વિસ્તારો અને એક ટાપુ પર હુમલો કર્યો. થોડા કલાકો પછી તા.27 જૂનની સવારે ઈરાને બદલો લીધો, જેનાથી અમેરિકાની સ્થિતિ હચમચી ગઈ. હુમલાઓના આ ક્રમે તણાવ વધ્યો છે, જેના કારણે હોર્મુઝ ફ્રન્ટ ખુલ્લા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે તેવી આશંકા વ્યક્ત થઈ છે. ઈરાન અને ટ્રમ્પ બંને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણનો દાવો કરી રહ્યા છે. ઈરાને જહાજ પર હુમલો કરીને પોતાના દાવાને સમર્થન આપ્યું, અને ટ્રમ્પ પણ પાછળ ન હટ્યા. યુએસ સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા.આ પગલના યુએસ રાષ્ટ્રપતિએ પહેલાથી જ સંકેત આપી દીધા હતા.
ઈરાની પ્રદેશ પર હુમલો
અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની પ્રદેશ પર હુમલો કર્યો. રાત્રે હોર્મુઝગન પ્રાંત પર લડાકુ વિમાનોનો અવાજ પડઘાયો હતો.ત્યારબાદ સિરિક નજીક ત્રણ મોટા વિસ્ફોટ થયા. કેશ્મ ટાપુ નજીક પણ વિસ્ફોટો સંભળાયા. અમેરિકાએ મિસાઈલ અને ડ્રોન સ્થળો, તેમજ સિરિકમાં રડાર ઇન્સ્ટોલેશન અને કોમ્યુનિકેશન ટાવરને નિશાન બનાવ્યા. હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે, શું વાટાઘાટોનો સમય પૂરો અને મુદ્દાઓ સમાપ્ત થઈ ગયા છે? શું યુદ્ધવિરામ તૂટી ગયું છે? શું ઈરાન અને અમેરિકા વચ્ચે સંપૂર્ણ યુદ્ધ ફરી શરૂ થવાનું છે? અમેરિકાએ આ હુમલા માટે ઓમાનના અખાત પાસે સ્થિત એક વૉર શિપનો ઉપયોગ કરીને લગભગ છ ફાઇટર જેટ ત્યાંથી ઉડાન ભરી, પર્શિયન ગલ્ફ પાર કરીને હોર્મુઝ સ્ટ્રેટ સુધી પહોંચ્યા.
90 મિનિટ સુધી ચાલ્યું ઑપરેશન
એક અહેવાલો સૂચવે છે કે, આ ઓપરેશન લગભગ 90 મિનિટ સુધી ચાલ્યું. આ રીતે અમેરિકાએ બૉંબમારો કર્યો હતો. યુએસ જેટ કેશમ ટાપુ અને સિરિક કિનારા પર લક્ષ્યો પર હુમલો કરતા પહેલા ઈરાની હવાઈ ક્ષેત્રમાં ફર્યા - હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ જાળવવા માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બિંદુઓ પર નિરિક્ષણ કર્યું હતું. આ ઓપરેશન માટે ગલ્ફ દેશોમાં સ્થિત કોઈપણ યુએસ એરબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. અમેરિકાને ડર હતો કે હુમલા માટે કોઈપણ દેશના પ્રદેશનો ઉપયોગ કરવાથી ઈરાન તે જ સ્થાન પર બદલો લેશે, જે સંભવતઃ સમગ્ર પ્રદેશને યુદ્ધની જ્વાળાઓમાં લપેટશે. પરિણામે, સમુદ્રમાંથી છોડવામાં આવેલા ફાઇટર જેટ, ઈરાન પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયા, તેમની ફાયરપાવર છોડી દીધો. ઈરાને પેન્ટાગોન અને વોશિંગ્ટનને ધમકીઓ આપી છે, સ્પષ્ટ કર્યું છે કે જો બીજો હુમલો થાય તો આરબ વિશ્વને તેની કિંમત ચૂકવવી પડશે.
અખાતી દેશોની ચિંતા વધી
આ કારણે ફરીવાર અખાતી દેશની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ઈરાનની આસપાસના રાષ્ટ્રમાં સંકટના વાદળ છવાઈ ગયા છે. જો ઇઝરાયલ અને અમેરિકા ફરીથી હુમલો કરે છે, તો તે આરબ દેશોમાં સ્થિત માળખાગત સુવિધાઓને કાયમી ધોરણે ખાતમો બોલી જશે. કારણ કે, ઈરાન પણ વળતો હુમલો કરવાની ફિરાકમાં છે. કોઈ પણ મૂર્ખાઈભર્યું કૃત્ય કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધી રહેલો તણાવ સૂચવે છે કે ઈરાન અને અમેરિકા ફરી એકવાર સંપૂર્ણ યુદ્ધમાં ફસાઈ શકે છે. યુએસ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ આ હુમલાઓને નવી વૃદ્ધિના સંકેત તરીકે જુએ છે, તેઓ માને છે કે ઈરાન સાથેનો મુકાબલો નજીકના ભવિષ્યમાં સમાપ્ત થવાની શક્યતા નથી.
ગુપ્ત માહિતી મળી ગઈ હતી
IRGC ને પર્શિયન ગલ્ફમાં યુએસ નેવીની પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી મળી હતી.આ કિનારો હોર્મુઝ સ્ટ્રેટમાં દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે એક અનુકૂળ બિંદુ તરીકે કામ કરે છે. જ્યારે પણ યુએસએ આ ઈરાની પ્રદેશ પર હુમલો કર્યો છે, ત્યારે સિરિક હંમેશા એક લક્ષ્ય રહ્યું છે. અહીં સ્થિત રડાર અને સંદેશાવ્યવહાર ટાવર્સ અગાઉ નાશ પામ્યા છે. જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ ટ્રમ્પ માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. મોજતબા તેને ઈરાન માટે અનિશ્ચિત સમય માટે નોંધપાત્ર આવક ઉત્પન્ન કરવાની તક તરીકે જુએ છે. આ જ વલણે ફરી એકવાર ઈરાન અને યુએસ વચ્ચેના તણાવને નિર્ણાયક સીમાથી આગળ ધકેલી દીધો છે. હુમલા બાદ, CENTCOM એ જણાવ્યું હતું કે યુએસ સૈન્ય ઈરાન સાથે થયેલા કરારના તમામ પાસાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતર્ક રહે છે. દરમિયાન, ઈરાને સ્પષ્ટતા કરી છે કે, MoU ના કલમ 5 હેઠળ, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોના નેવિગેશન અને પસાર થવા પર નિયંત્રણ તેના અધિકારક્ષેત્રમાં આવે છે.