Sun Jun 28 2026

Logo

ડીપીએ- કંડલા બંદરનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ: માત્ર 24 કલાકમાં 7.78 લાખ ટન કાર્ગો હેન્ડલિંગ કરી નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો

2026-06-28 12:00:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: દેશના પશ્ચિમ કિનારાના સૌથી વ્યસ્ત અને અગ્રણી બંદરોમાં મોખરાનું સ્થાન ધરાવતા દીનદયાલ પોર્ટ ઓથોરિટી-કંડલાએ રાષ્ટ્રીય સ્તરે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પોતાના નામે અંકિત કરી છે. કંડલા પોર્ટે માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક 7.78 લાખ ટન કાર્ગોનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. એક જ દિવસમાં આટલા તોતિંગ જથ્થામાં માલસામાનનું સંચાલન કરીને કંડલા પોર્ટે અગાઉના પોતાના જ તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે અને ભારતના મુખ્ય સરકારી બંદરોમાં સર્વોચ્ચ તરીકેની પોતાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવી છે.

પોર્ટ પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગતો અનુસાર, ગત 26 જૂનના રોજ પોર્ટ પર જુદા-જુદા જહાજોમાંથી વિવિધ પ્રકારના આયાત અને નિકાસના કાર્ગોનું અત્યંત ઝડપી અને સુનિયોજિત રીતે સંચાલન કરવામાં આવ્યું હતું. દેશના પોર્ટ ઓપરેશન્સના ઈતિહાસમાં એક જ દિવસમાં આટલો મોટો કાર્ગો હેન્ડલ થવો એ બંદરની આધુનિક ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઐતિહાસિક રેકોર્ડ કંડલા પોર્ટની સતત વધતી કાર્યક્ષમતા, ટેકનોલોજીથી સજ્જ આધુનિક ગોડાઉન્સ-જેટી અને મજબૂત ઓપરેશનલ ક્ષમતાનું જીવંત પ્રતિબિંબ છે.

કંડલા પોર્ટની આ અભૂતપૂર્વ સિદ્ધિ પાછળ પોર્ટના ઉચ્ચ અધિકારીઓ, વહીવટી કર્મચારીઓ, પોર્ટ શ્રમિકો, સ્ટેવેડોર્સ, શિપિંગ એજન્ટ્સ અને ટ્રાન્સપોર્ટર્સ સહિત તમામ સંકળાયેલા હિતધારકોની 24 કલાક સતત ચાલેલી ટીમવર્ક અને પરસ્પરનું સંકલન જવાબદાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ પોર્ટમાં જે હાઈટેક મશીનરી, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે, તેના મીઠાં ફળ હવે દેશને મળી રહ્યા છે.

કંડલા પોર્ટ વાર્ષિક કાર્ગો હેન્ડલિંગના ક્ષેત્રે વર્ષોથી દેશમાં અગ્રેસર રહ્યું જ છે, પરંતુ હવે 24 કલાકમાં સર્વાધિક કાર્ગો હેન્ડલ કરવાનો આ નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપીને તેણે વૈશ્વિક સ્તરે ભારતની નૌકા વ્યાપાર ક્ષમતાનો ડંકો વગાડ્યો છે. બંદરની આ ઝળહળતી સિદ્ધિથી કચ્છ સહિત દેશભરના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રના વેપારીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આર્થિક નિષ્ણાતોના મતે, આ સફળતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવામાં અને દેશની લોજિસ્ટિક્સ ક્ષમતાને વૈશ્વિક ફલક પર નવી ઊંચાઈ આપવા માટે ગેમચેન્જર સાબિત થશે, જે ગુજરાત માટે પણ અત્યંત ગૌરવની બાબત છે.

ઉત્સવ વૈદ્ય