Sun Jun 28 2026

Logo
Featured

ઓર્ડર હતો વેજનો, હોટેલે મોકલ્યું નોન-વેજ! જામનગરની પ્રખ્યાત હોટેલને બેદરકારી પડી ભારે, તંત્રએ ફટકાર્યો દંડ

2026-06-28 11:14:00
Author: Vimal Prajapati
Article Image

જામનગર: ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશન દ્વારા આંખ બંધ કરીને જમવાનું મંગાવતા લોકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. અહીં એક ચુસ્ત શાકાહારી પરિવારે ઓનલાઈન શુદ્ધ શાકાહારી ભોજન મંગાવ્યું હતું, પરંતુ હોટેલની ઘોર બેદરકારીના કારણે તેમના ઘરે માંસાહારી (નોન-વેજ) ભોજન ડીલીવર થઈ ગયું હતું. આ મામલે હોટેલની ગંભીર ભૂલ બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને આકરો દંડ વસૂલવામાં આવ્યો છે.

વેજ પાસ્તામાંથી નીકળ્યા માંસના ટુકડા!

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, જામનગરના ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા પરેશ ચુડાસમાના પરિવારે ગત 26 જૂનની રાત્રે 'ઝોમેટો' એપ્લિકેશન દ્વારા શહેરની જાણીતી 'લેમન ટ્રી હોટેલ' (Lemon Tree Hotel) માં આવેલી 'સિટ્રસ કેફે' (Citrus Cafe) માંથી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. પરિવારે નિયમ મુજબ વેજ પાસ્તાના પૈસા પણ ઓનલાઈન ચૂકવી દીધા હતા. જ્યારે ઝોમેટોનો રાઈડર ઓર્ડર લઈને ઘરે પહોંચ્યો અને પરિવારે જમવા માટે પાર્સલ ખોલ્યું, ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. શુદ્ધ શાકાહારી ગણાતા વેજ પાસ્તાની અંદર નોન-વેજના ટુકડા તરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને આખો પરિવાર ચોંકી ગયો હતો. આખરે હોટેલ દ્વારા આવી બેદરકારી કેવી રીતે કરવામાં આવી?
 

ધાર્મિક લાગણી દુભાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ

ભોજનમાં માંસના ટુકડા જોતાં જ ગ્રાહકે તાત્કાલિક લેમન ટ્રી હોટેલના મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, હોટેલ પ્રશાસન તરફથી રાત્રે કે બીજા દિવસે સવાર સુધી કોઈ યોગ્ય, સંતોષકારક કે જવાબદારીપૂર્વકનો જવાબ મળ્યો ન હતો. પરિવારે જણાવ્યું કે તેઓ પેઢીઓથી શુદ્ધ શાકાહારી છે અને ક્યારેય માંસાહાર કરતા નથી. હોટેલની આ મોટી ભૂલના કારણે તેમની ધાર્મિક માન્યતાઓ અને લાગણીઓને ભારે ઠેસ પહોંચી છે. હોટેલના નબળા પ્રતિભાવથી કંટાળીને અંતે ગ્રાહકે આ અંગે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટમાં આ સમગ્ર મામલે લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે. 

ફૂડ વિભાગના દરોડા: હોટેલને રૂ. ૧૦,૦૦૦નો દંડ

શાકાહારી ભોજનમાં નોન-વેજ ભળી જવાની ફરિયાદ મળતાની સાથે જ જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી. ફૂડ અધિકારીઓએ ઓર્ડરની વિગતો અને ફોટોગ્રાફ્સની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ તાત્કાલિક 'સિટ્રસ કેફે' પર દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન ફૂડ વિભાગની કડકાઈ સામે હોટેલના મેનેજરે આખરે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જોકે, આ ભૂલ પાર્સલ પેકિંગ કરતી વખતે થઈ હોવાનું કહીને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તંત્રએ આ ગંભીર બેદરકારીને સાંખી ન લેતા હોટેલને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે, તેમજ કિચનમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.