Sun Jun 28 2026

Logo

પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 4 રેન્જર્સના મોત, 6 આતંકી ઠાર, જાણો કેવી રીતે રચાયું કરાચીમાં હુમલાનું ષડયંત્ર

Karachi   2026-06-28 08:47:00
Author: Mumbai Samachar Team
Article Image

કરાચીઃ પાકિસ્તાનના કરાચી શહેરમાં શનિવારે રાત્રે મોટો આત્મઘાતી હુમલો થયો છે. કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પાસે અચાનક જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયા હતા. ધડાકા દરમિયાન જોરદાર ગોળીબાર પણ થયો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ હુમલામાં પાકિસ્તાન રેન્જર્સના ચાર જવાનોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે  જવાબી કાર્યવાહીમાં 6 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ આત્મઘાતી હુમલાની જવાબદારી 'જમાત-ઉલ-અહરાર' નામના સંગઠને લીધી છે. આને એક મોટો આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે.

કરાચી આત્મઘાતી હુમલાનું કરાયું હતું પ્લાનિંગ

માહિતી મુજબ, કરાચીમાં આ આત્મઘાતી હુમલાનું પ્લાનિંગ ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને સીધું 'સિંધ રેન્જર્સ હેડક્વાર્ટર'ના મુખ્ય દરવાજા સાથે અથડાવ્યું અને પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. અચાનક થયેલા આ હુમલાના કારણે કોઈ કંઈ સમજે તે પહેલાં જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં ચાર રેન્જર્સના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જોકે, ત્યારબાદ કરાયેલી જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકીઓને ઠાર કરાયા હતા. હુમલાની માહિતી મળતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોના જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

90 મિનિટ સુધી ચાલી અથડામણ

સુત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો રાત્રે આશરે 8 વાગ્યાને 30 મિનિટે થયો હતો, જ્યારે વિસ્ફોટકોથી ભરેલી એક ગાડી સિંધ રેન્જર્સના પેરામિલિટ્રી હેડક્વાર્ટરના મુખ્ય દરવાજા (મેન ગેટ) સાથે આવીને અથડાઈ હતી, જેના કારણે જોરદાર ધમાકો થયો હતો. આતંકીઓ ગાડીથી મુખ્ય દરવાજો તોડીને સીધા પરિસરમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન સતત ગ્રેનેડ વડે પણ હુમલો કરવામાં આવ્યો, જેના લીધે પરિસરમાં કેટલાય ધડાકા થયા હતા.

ઘટનાની જાણ થતાં જ કરાચી પોલીસે મોરચો સંભાળી લીધો હતો અને બંને તરફથી આશરે 90 મિનિટ સુધી ફાયરિંગ ચાલ્યું હતું. જેમાં સ્પેશિયલ સિક્યોરિટી યુનિટ, એન્ટી ટેરરિસ્ટ ફોર્સ અને ઘટનાસ્થળે હાજર રેન્જર્સે આતંકીઓ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે એક આતંકીની ધરપકડ પણ કરવામાં આવી છે.

જમાત-ઉલ-અહરારે લીધી જવાબદારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, કરાચીમાં થયેલા આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલા સંગઠન 'જમાત-ઉલ-અહરાર' દ્વારા લેવામાં આવી છે. આ સંગઠન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સરહદને અડીને આવેલા ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં સક્રિય માનવામાં આવે છે, જે અગાઉ પણ કેટલાય હુમલાઓને અંજામ આપી ચૂક્યું છે. જમાત-ઉલ-અહરાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલામાં 9 આતંકીઓ સામેલ હતા. જોકે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ તરફથી હજુ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને કરાચી પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે.

કરાચીમાં સર્ચ ઓપરેશન ચાલુ

કરાચી આત્મઘાતી હુમલા બાદ શહેરમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ રાત્રે જ સમગ્ર ગુલિસ્તાન-એ-જૌહર અને યુનિવર્સિટી રોડ વિસ્તારને સીલ કરી દીધો હતો, જ્યારે સ્થાનિક લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી. સિંઘના મુખ્યમંત્રી અને પોલીસ મહાનિરીક્ષકે (IG) આ આત્મઘાતી હુમલા અંગેનો સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે. ઘટના બાદથી જ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે.