Sun Jun 28 2026

Logo

અમેરિકી હુમલા બાદ ઇરાનનો પલટવાર, 8 ઠેકાણા પર હુમલો, બહેરીનમાં નેવી બેઝને કર્યું તબાહ!

2026-06-28 09:15:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈરાન-અમેરિકા વચ્ચે ફરીથી યુદ્ધનો માહોલ બની રહ્યો છે. બંને દેશો એકબીજાના સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યા છે. જેના કારણે સ્વિટ્ઝરલેન્ડમાં સીઝફાયર (યુદ્ધવિરામ) કરાર પર બનેલી સહમતી માત્ર કાગળ પર જ સીમિત બનીને રહી ગઇ છે. રવિવારે અમેરિકાએ ઈરાનના 10 ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. જેના જવાબમાં ઈરાને પણ અમેરિકાના 8 સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જાહેરાત કરી છે કે IRGC નેવી અને એરોસ્પેસ ફોર્સેસે આજે વહેલી સવારે 2:00 થી 3:00 વાગ્યાની વચ્ચે એક સંયુક્ત મિસાઈલ અને ડ્રોન ઓપરેશન શરૂ કર્યું હતું.

કુવૈત અને બહેરીનમાં અમેરિકી ઠેકાણા પર હુમલો

ઈરાને મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં આવેલા અમેરિકી સેનાના આઠ અગ્રણી સૈન્ય બેઝ પર બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. IRGCનું કહેવું છે કે તેણે કુવૈતમાં અલી અલ-સલેમ એર બેઝ અને સલમાન પોર્ટ તેમજ બહેરીનમાં પાંચમા કાફલાના (Fifth Fleet) નૌકાદળના બેઝને નિશાન બનાવીને તેને નષ્ટ કરી દીધા છે અને દક્ષિણ ઈરાન પર અમેરિકાની તાજેતરની આક્રમકતાનો નિર્ણાયક જવાબ આપ્યો છે.

ઈરાનની સ્પષ્ટ ચેતવણી: હોર્મુઝ પર અમારું નિયંત્રણ, ઉલ્લંઘન થશે તો જવાબ મળશે

ઈરાનની IRGC નું કહેવું છે કે ઇસ્લામાબાદ એમઓયુ (MoU) ના આધારે, હોર્મુઝની સામુદ્રધુનીમાં (Strait of Hormuz) ટ્રાફિક કંટ્રોલની વ્યવસ્થા ઈરાન હસ્તક છે, અને હવેથી નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજો સામે પહેલાં કરતાં વધુ કડકાઈથી પગલાં લેવામાં આવશે. ઈરાનનું સ્પષ્ટપણે કહેવું છે કે દુશ્મન દ્વારા કોઈપણ બહાને સંભવિત આક્રમકતા દાખવવામાં આવશે—ભલે ગઈ રાત્રિ અને આજ રાત્રિની જેમ તે આક્રમકતા ઓછા મહત્વના લક્ષ્યો પર જ કેમ ન હોય—તેમને કચડી નાખનારો વળતો જવાબ આપવામાં આવશે.

ઈરાનના હુમલા પર અમેરિકાએ શું કહ્યું?

જોકે, એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાનના હુમલા બાદ અમેરિકાને કોઈ જાનહાનિ થઈ નથી કે વોશિંગ્ટનની સૈન્ય સુવિધાઓ પર કોઈ મોટી અસર પડી નથી. અમેરિકાએ જણાવ્યું કે ઈરાની હુમલા પછી પણ અમે ઈરાનને શાંતિની એક તક આપી હતી, પરંતુ ઈરાને ફરીથી પનામાના ધ્વજવાળા 'MT કિકુ' (MT Kiku) જહાજ પર હુમલો કર્યો, જે 2 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ (કાચું તેલ) લઈ જઈ રહ્યું હતું. જેથી, યુ.એસ. (U.S.) મિલિટરી એરક્રાફ્ટે ઈરાનના સૈન્ય સર્વેલન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્યુનિકેશન સિસ્ટમ, એર ડિફેન્સ સાઇટ્સ, ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી અને માઈનલેયર (દરિયાઈ સુરંગ બિછાવવાની) ક્ષમતાઓને નિશાન બનાવી હતી.

આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા

આ ઘટનાક્રમ બાદ કેટલાય દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. સતત વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રાજદ્વારી વાતચીત માટે અપીલ કરવામાં આવી રહી છે, જેથી કોઈ મોટા સંઘર્ષને રોકી શકાય. હાલમાં, અમેરિકા તરફથી ઈરાનના આ નિવેદન પર કોઈ વિગતવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આગામી દિવસોમાં બંને દેશોના વલણ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.